જુગારના 64.50 લાખ કઢાવવા પૂર્વ ધારાસભ્યના ભાણેજને રિવોલ્વર દેખાડી ધમકી
મોબાઈલ શોપ ધરાવતા શખ્સે ઈમિટેશનના વેપારીને સટ્ટાની રવાડે ચડાવ્યો, 1.37 કરોડ હારી જતાં રૂા.71 લાખ ચૂકવ્યા છતાં બાકી ઉઘરાણી માટે બે સટોડિયાને હવાલો આપ્યો, નબીરાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
રાજકોટમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર છેલ્લા ઘણા વખતથી ફુલ્યો ફાલ્યો છે જેમાં કોલેજીયન અને નવયુવાનો સટ્ટાના રવાડે ચડી ગયા છે ત્યારે રાજકોટનાં પૂર્વ ધારાસભ્યના ભાણેજને ક્રિકેટના સટ્ટાના રવાડે ચડાવી ઓનલાઈન જુગારમાં આઈ.ડી. આપ્યા બાદ ચાંદી કામ કરતાં વેપારી રૂા.1.37 કરોડ હારી જતાં તેમાંથી રૂા.71.50 લાખ ચુકવી દીધા છતાં બાકીની રકમ બળજબરીથી કઢાવવા માટે મોબાઈલ શોપ ચલાવતાં વેપારીએ બે સટ્ટોડિયાને હવાલો આપતાં આ બન્ને શખ્સોએ રિવોલ્વર દેખાડી વેપારીને ધમકી આપતાં આ મામલે પોલીસ કમિશ્નરને થયેલી અરજી બાદ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે આ ત્રણેય શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, સામાકાંઠે પેડક રોડ પર શ્રીજી આઈસ્ક્રીમની પાસે પિતૃકૃપા મકાનમાં રહેતા અને આર્યનગરમાં ખોડીયાર સિલ્વર નામે ચાંદી કામની દુકાન ધરાવતાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીના ભાણેજ પ્રીન્સ મનોજ ઠુંમર (ઉ.24)ની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચમાં ઓમનગર સર્કલ પાસે પ્રણાલી પાર્ક શેરી નં.2માં રહેતા અને અમીન માર્ગ પર આઈફોન એરા મોબાઈલ શોપ ચલાવતાં ઉત્તમ અશોક વિરડીયા તેમજ ન્યુ માયાણીનગર શેરી નં.2 મવડી પ્લોટમાં રહેતા સ્મીત કિશોર સખીયા અને ભાજપના સક્રિય સભ્ય તેવા મવડી પ્લોટ સરદારનગરમાં રહેતા રવિ રમેશ વેકરીયાનું નામ આપ્યું છે.
પ્રિન્સે ફરિયાદમાં જણાવ્યા મુજબ દોઢેક વર્ષ પૂર્વે તે મોબાઈલ ફોનની શોપ ધરાવતાં ઉત્તમ વિરડીયા સાથે સંપર્કમાં આવ્યો હતો અને તેની ઓળખાણ થઈ હતી. નવ મહિના પહેલા ઉત્તમે પ્રિન્સને મોબાઈલ ફોનમાં ગેમ રમશે તો રૂપિયા મળશે તેવી વાત કરી એક આઈડીમાંથી પાંચ લાખની બેલેન્સ નાખી તેને રમવા માટે લાલચ આપી હતી અને દર સોમવારે હિસાબ કરશું તેમ જણાવ્યું હતું. પ્રિન્સ પ્રથમ વખત જ પાંચ લાખ હારી ગયો હતો જે હિસાબ તેણે તેના પિતાની જાણ બહાર ઓફિસમાંથી પાંચ લાખ લઈ ચુકતે કર્યો હતો. બાદમાં ઉત્તમને રમવાની ના પાડતાં પ્રિન્સને ફરીથી હારી ગયેલી રકમ રીકવર કરવાની લાલચ આપી ઉત્તમને બીજુ આઈડી આપ્યું હતું અને ચારથી પાંચ મહિના દરમિયાન તેમાં રૂા.1.37 કરોડની હાર-જીત થઈ હતી. તેમાં ઉત્તમને રૂા.71.50 લાખ ચુકવી દીધા હતાં. જેમાં 37 લાખ ઉત્તમ કુવાડવા રોડ પર સેલના પેટ્રોલ પંપ પાસે આવી લઈ ગયો હતો. જ્યારે બાકીના 23.50 લાખ ઉત્તમનો માણસ આશિષ બાબરીયાના નામથી પાર્થ સખીયાને આંગડીયુ કરી આપ્યું હતું. 71.50 લાખ ચુકવી દીધા છતાં બાકીની રકમ ઉત્તમે આપવાની બાકી હોય જેથી ગેમ્સ રમવાની ના પાડતાં ઉત્તમે પ્રિન્સને ‘તું જીતીશ એટલે રૂપિયા આપવા નહીં પડે’ તેમ કહી લલચાવ્યો હતો અને ફરીથી પ્રિન્સ ઓનલાઈન સટ્ટામાં 35 લાખ હારી ગયો હતો. જેથી ઉત્તમને રૂપિયા 64.50 લાખ ચુકવવાના હતાં જે રકમ પ્રિન્સ પાસે સગવડ ન હોય તેથી ઉત્તમને આ રકમ ચુકવવાની સગવડતા નહીં હોવાનું જણાવતાં ઉત્તમે આ બાકીની રકમ બળજબરીથી કઢાવવા માટે રવિ વેકરીયા અને સ્મીત સખીયાને હવાલો આપ્યો હતો.
હવાલો લઈને સ્મીત અને રવિ વેકરીયાએ પ્રિન્સના કારખાને જઈ ગત તા.25-1-24નાં રોજ આતંક મચાવી તેના પિતાને કોઈપણ ભોગે રકમ ચુકવવા ધમકી આપી હતી અને વહીવટ કરવા માટે મોકાજી સર્કલ સાશ્ર્વત કોમ્પલેક્ષમાં ચોથા માળે ઓફિસમાં મળવા માટે બોલાવતાં પ્રિન્સ અને તેના પિતા મનોજભાઈ મળવા ગયા ત્યારે સ્મિત સખીયાએ તેની પાસે પરવાના વાળી રિવોલ્વર પ્રિન્સના માથે રાખી જો રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખવામાં આટલી વાર લાગે તેમ ધમકી આપી હતી. પિતા પુત્ર બન્ને ગભરાઈ જતાં બે ત્રણ દિવસમાં સગવડતા કરી આપવાની વાત કરી હતી. આ બાબતે પૂર્વ ધારાસભ્ય પ્રિન્સના મામા અરવિંદ રૈયાણીને વાત કરતાં આ અંગે ગત તા.9-4-2024નાં રોજ તાલુકા પોલીસમાં અરજી આપી હતી. બાદમાં અરજીની તપાસ ચાલુ હજુ ચાલુ હતી ત્યારે જ તા.12-5નાં રોજ ફોર્ચ્યુનર કાર નં.જીજે.3 એનએફ.01 લઈને આવેલા સ્મીત સખીયાએ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી હતી. પોલીસનો ડર ન હોય તેમ આ ટોળકીએ વારંવાર પ્રિન્સને ધમકી આપતાં અંતે આ મામલે પોલીસ કમિશ્નર સમક્ષ મદદ માટે બુહાર લગાવી હતી અને આ અંગે ક્રાઈમ બ્રાંચને તપાસ સોપાયા બાદ ગુનો નોંધવા આદેશ કરવામાં આવતાં ઉત્તમ વેરડીયા, સ્મીત સખીયા અને રવિ વેકરીયા સામે બળજબરીથી રૂપિયા કઢાવવા અને આમ્સ એકટ હેઠળ ગુનો નોંધાયો છે. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા અને પીએસઆઈ એ.એસ. ગરચર તેમની ટીમ તપાસ ચલાવી રહી છે.
રવિ વેકરિયા કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં.13નો કોંગ્રેસનો ઉમેદવાર
સામાકાંઠાના ચાંદીના વેપારી અને પૂર્વ ધારાસભ્યના ભાણેજ પાસે જુગારમાં હારી ગયેલ રૂપિયા 64.50 લાખ ની રકમ બળજબરીથી કઢાવવા મોબાઈલના વેપારી પાસેથી હવાલો લેનાર રવિ વેકરીયા રાજકીય સાંઠગાંઠ ધરાવે છે તે અગાઉ વોર્ડ નં.13માં મહાનગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર રહી ચુકયો છે. ત્યારબાદ આ ચુંટણી હારી જતાં રવિ વેકરીયા હાલ ભાજપમાં જોડાયો હતો તેના હાર્દિક પટેલ સહિતના અનેક મોટા નેતાઓ સાથે સંપર્ક હોવાનું જાણવા મળ્યું છે. રાજકીય ઓથ હેઠળ ગોરખ ધંધા કરતાં રવિ વેકરીયા અને તેના સાથીદાર સ્મીત સખીયા અગાઉ પણ ક્રિકેટ સટ્ટા સહિતના અનેક વિવાદોમાં ચર્ચામાં આવી ચુકયા છે.