લેન્ડગ્રેબીંગ કમિટિની બેઠકમાં 62 કેસ પડતા મુકાયા, બેમાં ફરિયાદનો હુકમ
પક્ષકારોની હાજરીમાં સૂનાવણી દરમિયાન 26 કેસમાં સમાધાન
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવકુમાર જોશીના અધ્યક્ષ સ્થાને આજે લેન્ડગ્રેબીંગ કમિટિની બેઠક યોજાઈ હતી તેમાં રજૂ થયેલી કુલ 92 ફરિયાદમાંથી 62 ફરિયાદો તથ્ય વગરની જણાતા પડતી મુકવામાં આવી હતી. જ્યારે 26 કેસમાં સમાધાન થયું હતું અને બે કેસમાં પોલીસ ફરિયાદ નોંધવા સુચના આપવામાં આવી હતી તેમજ બે કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા હતાં.
મળતી માહિતી મુજબ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી લેન્ડગ્રીબીંગ કમિટિની બેઠકમાં રાજકોટ શહેર પોલીસ, રૂરલ પોલીસ, મહાનગરપાલિકા તેમજ મહેસુલ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં રજૂ થયેલા લેન્ડગ્રેબીંગમાં કુલ 92 કેસોની પક્ષકારોની હાજરીમાં સુનાવણી કરવામાં આવતા 92 પૈકી 62 વજુદ વગરના જણાતા પડતા મુકાયા હતાં જ્યારે 26 કેસમાં પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. આ ઉપરાંત માત્ર બે કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવવા હુકમ કરાયો હતો.
હાઈકોર્ટે આપેલી ગાઈડલાઈન મુજબ લેન્ડગ્રેબીંગ કમિટિની બેઠકમાં અરજદારોને હાજર રાખવામાં આવ્યા હતાં અને અરજદારોની હાજરીમાં કેસની સુનાવણી કરાઈ હતી.