લાઇન ફિશિંગ કરતી મહારાષ્ટ્ર- રત્નાગીરીની 6 બોટ ઝડપાઇ
ગીર સોમનાથના દરિયામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું સંયુકત ઓપરેશન
વેરાવળ બંદર પર લવાયેલા આ ફિશિંગ બોટોમાં એક જ લાયસન્સ પર એકથી વધુ ફિશિંગ બોટો દરિયામાં ગેરકાયદે ચાલી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે અને અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ફિશિંગની સાથે સમુદ્રી સુરક્ષાને લઈ મોટો ખતરો સર્જતી ઘટના સામે આવી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સોમનાથના સમુદ્રમાંથી ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી મહારાષ્ટ્રની 06 બોટો ઝડપી પાડી છે. ઝડપાયેલી બોટોમાં એક જ લાયસન્સ પર 2 ફિશિંગ બોટોનો ઘટસ્ફોટ વેરાવળ એસોશિએસનના સેક્રેટરીએ ઘટસ્ફોટ કર્યો છે.
ગુજરાતના અને ખાસ કરીને ગીર સોમનાથ પોરબંદરના સમુદ્રમાં મહારાષ્ટ્રની ફિશિંગ બોટો દ્વારા ગેરકાયદે લાઈન ફિશિંગ કરવામાં આવતી હોવાની અનેકવાર ફરિયાદ ઉઠી છે. થોડા દિવસો પહેલા વેરાવળ બોટ એસોશિએસનના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પણ રૂૂબરૂૂ મળી ફરિયાદ કરી હતી. ત્યારે હરકતમાં આવેલ તંત્રએ ગીર સોમનાથના સમુદ્રમાં ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી મહારાષ્ટ્ર અને રત્નગીરીની 06 જેટલી ફિશિંગ બોટોને દરિયામાંથી ઝડપી પાડી છે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઝડપાયેલી ફિશિંગ બોટોમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. જે સમુદ્રી સુરક્ષાને લઈને પણ અનેક સવાલો સર્જી શકે છે. વેરાવળ બંદર પર લવાયેલા આ ફિશિંગ બોટોમાં એક જ લાયસન્સ પર એકથી વધુ ફિશિંગ બોટો દરિયામાં ગેરકાયદે ચાલી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે.વેરાવળ માછીમાર બોટ એસોશિએસનના સેક્રેટરી દિનેશ વધાવીએ આ કૌભાંડનો ખુલાસો કર્યો છે અને સરકાર આ મામલે ઉંડી તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે. દિનેશ વધાવીએ એવું પણ જણાવ્યું હતું કે, ગીર સોમનાથના સમુદ્રમાં 250થી 300 જેટલી ફિશિંગ બોટો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરી રહી છે. જેને અટકાવી ખૂબ જ જરૂરી છે. વેરાવળના સ્થાનિક માછીમાર રમેશ ફોફંડીએ જણાવ્યું હતું કે, દરિયામાં ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી પરપ્રાંતીય બોટોને અટકાવવા જતા અમારા સ્થાનિક માછીમારો પર હુમલા કરવામાં આવે છે.