રાજકોટના સાત વેપારીની બોટાદની 11 કંપની સાથે 6.65 કરોડની ઠગાઇ
બોટાદમાં આવેલા 11 જેટલા જીનિંગ એકમોમાંથી રૂ.6.65 કરોડની કિંમતની રૂ ની ગાંસડીઓની ખરીદી કરી હતી. રૂ ની ગાસડીની ખરીદી કર્યા બાદ ચોટીલામાં આવેલ સિદ્ધનાથ કોટક્સ પ્રા.લિ.એ ઉઠમણું કર્યું હતું. બોટાદના જિનિંગ એકમના માલિકે કંપનીના રાજકોટ સ્થિત સાત સંચાલકો વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગત મુજબ બોટાદમાં આવેલ પાળીયાદ રોડ પાર રહેતા અને હાડદડ ત્રિકોણી ખોડિયાર મંદિરની બાજુમાં બંસીધર જિનિંગ એન્ડ ઓઇલ મિલ ચલાવતા હિમ્મતભાઈ ખીમજીભાઈ માથાસોલીયાએ પાળીયાદ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, દર્શનભાઈ રમણીકભાઇ ભાલાળા, વિરેન્દ્રભાઈ સુરેશભાઈ લુણાગરિયા, સુરેશભાઈ ગોવિંદભાઇ લુણાગરિયા, રમણીકભાઇ ચકુભાઇ ભાલાળા, જગદીશભાઈ ગોરધંદાસ ડોબરીયા,જતીનભાઈ મગનભાઈ સોરઠીયા અને તુષારભાઈ ગજેરા ( રહે.તમામ રાજકોટ ) તમામ વેપારીઓએ દલાલ ભરતભાઈ વનમાલિભાઇ (રહે.લાઠીદડ તા.બોટાદ) મારફત પોતાની સાથે તેમજ અન્ય જિનિંગના માલિકો સાથે વિશ્વાસ કેળવી રૂ ની ગાંસડીઓની ખરીદી કરી હતી અને શરૂઆતમાં ખરીદ કરેલ ગાંસડીઓની રકમ વાયદા મુજબ ચૂકવી આપેલ હતી.
આ વેપારીઓ ઉપર ભરોસો મૂકી તેમને તથા અન્ય 10 જેટલી જિનિંગ કંપનીઓના માલિકોએ કુલ રૂ.6,65,43,813 ની કિંમતનો માલ આપ્યા બાદ બાકી રહેતી ઉક્ત રકમ અંગે અવાર-નવાર ઉઘરાણી કરતા તેમના મોબાઈલ ફોન બંધ કરી દઈ સિદ્ધનાથ કોટક્સ પ્રા.લિ.- ચોટીલા બંધ કરી દઈ બોટાદ વિસ્તારની 10 જેટલી જિનિંગ કંપનીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. પાળીયાદ પોલીસે રાજકોટના સાત વેપારીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 116(5), 118(4) અને 54 મુજબ ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.
બંસીધર જિનિંગ એન્ડ ઓઇલ મિલ રૂ.8003115, કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ હડદડ - રૂ. 81,46,000, નેક્સસ ટેક્સ યાર્ન બોટાદ રૂ. 55,23,210, ઈશ્વરલાલ તુલસીદાસ જિનિંગ, પ્રેસ હડદડ રૂ.54,70,123, અવધ કોટન ઇન્ડસ્ટ્રીઝ, શિરવાણીયા રૂ.27,77,687 રાજકોટ ફાઈબર, શિરવાણીયા રૂ.26,86,925 હરિ કોટક્સ હડદડ રૂ. 26,46,940,રામ કોટક્સ સમઢીયાળા રૂ.1,15,05,368, ઉજળા કોટક્સ લાઠીદડ રૂ.83,08,858, લાણિયા કોટન સેંઠાલી રૂ.27,96,996, નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ લાઠીદડ રૂ. 80,04,785 નો સમાવેશ થાય છે.