54 વર્ષના ઢગાએ નગ્ન હાલતમાં 10 વર્ષની બાળકીને બથ ભરી: પોલીસે પકડયો
શહેરના સામાંકાંઠા વિસ્તારમાં ગઈકાલે ગંભીર ઘટના બની ગઈ હતી.10 વર્ષની બાળકી પોતાના ઘરે હતી ત્યારે પાડોશમાં રહેતો 54 વર્ષનો માનસિક વિકૃત શખ્સ નગ્ન હાલતમાં ઘરમાં ઘૂસી ગયો હતો અને બાળકીને બાથ ભરી લીધી હતી.માસૂમે દેકારો કરતાં નરાધમ નાસી ગયો હતો.જોકે બી ડિવિઝન પોલીસે ઝડપી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર,ગઈકાલે બપોરે 10 વર્ષની બાળકી તેના ઘરે નવેરામાં વાસણ ધોઇ રહી હતી. તેની માતા કામે બહાર હતી અને બાળકીની મોટી બહેન ઘરના ઉપરના માળે હતી.10 વર્ષની બાળકી ઘરના ફળિયામાં વાસણ ધોઇ રહી હતી ત્યારે એ વિસ્તારમાં રહેતો જયદીપ હર્ષદરાય જોબનપુત્રા (ઉ.વ.54) નગ્ન હાલતમાં ઘરમાં ઘૂસી ગયો હતો અને વાસણ ધોઇ રહેલી બાળકીને અચાનક બાથ ભરી લીધી હતી.દાદાની ઉંમરના જયદીપ જોબનપુત્રાએ નિર્વસ્ત્ર હાલતમાં આલિંગન કરી લેતા બાળકી ગભરાઇ ગઇ હતી અને બૂમાબૂમ કરતાં તેની મોટી બહેન સહિતનાઓ અહીંયા દોડી આવ્યા હતા.
બાદમાં જયદીપ જોબનપુત્રા દોડીને ભાગી ગયો હતો.ઘટનાને પગલે વિસ્તારના લોકો પણ એકઠા થઇ ગયા હતા અને તમામ લોકો જયદીપ જોબનપુત્રાના ઘરે પહોંચ્યા હતા.જોકે ત્યાં સુધીમાં તે મકાનને તાળાં મારી ભાગી ગયો હતો.ઘટના અંગે જાણ કરાતા બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો અને પીએસઆઇ એ.બી.ચૌધરી સહિતની ટીમે જયદીપને ગણતરીની મિનિટોમાં ઝડપી લીધો હતો. જયદીપ જોબનપુત્રાના માતા-પિતા હયાત નથી. તેની ચારેય બહેન સાસરે છે. 54 વર્ષનો જયદીપ અપરિણીત છે અને એકલો રહે છે.પોલીસે તેની આગવીઢબે સરભરા કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.વિસ્તારમાં રહેતી મહિલાઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે,જયદીપ એકલો રહે છે,તે આખો દિવસ ઘરની બહાર બેઠો રહેતો અને ત્યાંથી પસાર થતી મહિલાઓ સામે અભદ્ર ઇશારા કરતો હતો.