હાલારના બંને જિલ્લાઓમાં પીજીવીસીએલને ચાલુ ચોમાસા દરમિયાન 51.44 લાખનું નુકસાન
હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન પીજીવીસીએલને તોફાની પવન અને વરસાદના કારણે કુલ 51.44 લાખનું નુકસાન થયું છે. ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને કારણે જામનગર જિલ્લાના અને દેવભૂમિ -દ્વારકા જિલ્લાના કુલ 93 ગામોમાં વીજ પુરવઠો પુરવઠો ખોરવાયો હતો. જો કે આજે સવાર સુધીમાં 91 ગામમાં વિજ પુરવઠો ફરીથી કાર્યરત બનાવી દેવાયો છે, જયારે બે ગામોમાં કામગીરી હજુ ચાલુ છે.
હાલાર ના બંને જિલ્લાઓમાં ચાલુ ચોમાસાની સિઝનમાં 269 ફીડરોમાં નુકસાની થઈ હતી, જે પૈકી 180 ફીડર ઊભા કરી લેવાયા હતા, અને 70 ફીડરમાં કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે બંને જિલ્લામાં 681 વિજ પોલ પડી ગયા હતા, જે પૈકી 662 વિજ પોલ ફરીથી ઊભા કરી દેવામાં આવ્યા છે, જ્યારે હજુ 19 થાંભલા ઉભા કરવાના બાકી રહ્યા છે, જેની કામગીરી ચાલી રહી છે. આમ કુલ ચોમાસાની સિઝન માં વિજ તંત્રને 51.44 લાખની નુકસાની થઈ છે.