5 હજારથી 50 હજાર મે.ટનના કોલ્ડ સ્ટોરેજ માટે 50% સહાય
રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર
માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એકમદીઠ ખર્ચના મહત્તમ 50 ટકા સહાય, મહત્તમ રૂ.379 લાખ સુધીની સહાય આપવામાં આવશે. જે લાભાર્થીઓને ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.
મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, બાગાયતી પાકો ખૂબ જ ઝડપથી બગડી જતા હોવાથી, કાપણી પછીના વ્યવથાપન અંતર્ગત પાકનો સંગ્રહ અથવા તેનું મૂલ્યવર્ધન કરવું અતિઆવશ્યક છે. કોલ્ડ સ્ટોરેજમાં બાગાયતી પાકોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહેતી હોવાથી, ખેડૂતો તેમની ઉપજના સારા બજાર ભાવ મેળવીને આર્થિક નુકશાનથી બચી શકે છે. એટલા માટે જ, અગાઉ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના સંગ્રહ માટે 5,000 મેટ્રીક ટન સુધીની ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે સહાય આપવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં વધી રહેલા બાગાયતી ખેતીના વ્યાપ અને ઉત્પાદનને ધ્યાને રાખીને નવી યોજના અંતર્ગત કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.