ગોંડલ BAPS મંદિરમાં નાસ્તો કર્યા બાદ 50 છાત્રો-28 પ્રવાસીને ફૂડ પોઈઝન
- ગુરુકુળના છાત્રોએ ફરાળ કર્યા બાદ તબિયત લથડતા સારવાર શરૂ કરાઈ : નડિયાદ, ગાંધીનગર અને આણંદના દર્શનાર્થીઓએ ઢોકળા, વેફર ખાઈ ચા પીધા બાદ તમામને ઝાડા-ઊલટી થતાં વીરપુર હોસ્પિટલમાં ખસેડાયા
ગોંડલમાં બીએપીએસ અક્ષર મંદિરમાં સવારનો નાસ્તો કર્યા બાદ ગુરૂકુળના 50થી વધુ છાત્રો અને 28 પ્રવાસીઓને ફુડપોઈઝન થતાં દોડધામ મચી જવા પામી છે. છાત્રોને ગુરૂકુલમાં જ સારવાર આપવામાં આવી હતી. જ્યારે નડિયાદ, ગાંધીનગર અને આણંદ પંથકના પ્રવાસીઓ નાસ્તો કર્યા બાદ વીરપુર જવા નીકળતાં રસ્તામાં જ તેઓની તબિયત લથડતાં વીરપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવને પગલે રાજકોટ આરોગ્ય તંત્ર સજ્જ બની ગયું હતું અને રાજકોટથી તબીબોની ટીમને પણ દોડાવવામાં આવી હતી.
જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં અક્ષર મંદિરમાં સવારનો નાસ્તો કર્યા બાદ ફુડ પોઈઝનીંગ થયાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બીએપીએસ સંચાલિત ગુરૂકુલમાં સવારે વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ 50 થી વધુ વિદ્યાર્થીઓને ઝાડા ઉલ્ટી અને નબળાઈ લાગવાની ફરિયાદ સાથે તબિયત લથડવા લાગી હતી જેથી ગુરૂકુલના સંચાલકો દ્વારા તાબડતોબ ખાનગી તબીબોને જાણ કરાતાં મેડીકલ ટીમ સાથે દોડી આવેલા તબીબોએ ગુરૂકુલમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીએાની સારવાર શરૂ કરી હતી. આ અંગે ગુરૂકુલના પ્રવકતા પ્રરેશ કાપડીયાએ જણાવ્યું હતું કે આજે એકાદશી હોવાથી વિદ્યાર્થીઓને નાસ્તામાં ફરાળ આપવામાં આવ્યું હતું. ફરાળ કર્યાબાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. ગુરૂકુલમાં અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે હાલમાં 50 જેટલા વિદ્યાર્થીઓને જ ફુડ પોઈઝન થયાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલના તબીબો ઉપરાંત પ્રાંત અધિકારી મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ તમામ વિદ્યાર્થીઓની તબીયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીએપીએસ મંદિરમાં દર્શનાર્થે આવેલા નડિયાદ, ગાંધીનગર અને આણંદ પંથકના દર્શનાર્થીઓની પણ નાસ્તો કર્યા બાદ તબિયત લથડી હતી. ગોંડલમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં સવારે નાસ્તો કરી દર્શનાર્થીઓ વીરપુર દર્શન કરવા નીકળ્યા હતાં ત્યારે રસ્તામાં 28 લોકોની તબિયત લથડતાં તેમને વિરપુરની સરકારી હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યા હતાં. જે દર્શાનાર્થીઓની તબિયત લથડતી હતી તેઓ આણંદ, નડિયાદ અને ગાંધીનગર પંથકના પ્રવાસી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં આણંદ, નડિયાદ અને ગાંધીનગર પંથકના દર્શનાર્થીઓ સૌરાષ્ટ્રના મંદિરોમાં દર્શન કરવા માટે નિકળ્યા હતાં. તેઓ ચોટીલા દર્શન કર્યા બાદ ગઈકાલે સાંજે ગોંડલ પહોંચતાં સ્વામીનારાયણ મંદિર રોકાયા હતાં ત્યાં તેઓએ રાત્રિ ભોજન લીધા બાદ સવારે નાસ્તો કર્યાબાદ વીરપુર અને ખોડલધામ દર્શન કરવા માટે જઈ રહ્યા હતાં. દરમિયાન વીરપુર નજીક પહોંચતાં 28 જેટલા દર્શનાર્થીઓને ઝાડા ઉલ્ટી, ઉબકા અને ધ્રુજારી થવા લાગતાં તબીયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલીક વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ગોંડલથી નીકળેલા 28 જેટલા દર્શનાર્થીઓની એક સાથે તબિયત લથડતાં તમામને વિરપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં વીરપુર સરકારી હોસ્પિટલમાં ખાટલા ખુટી પડયા હતાં. તબીબો દ્વારા તમામ લોકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્શનાર્થીઓના જણાવ્યા મુજબ તેઓએ ગોંડલ બીએપીએસ મંદિરમાં સવારે ઉઠયા બાદ નાસ્તામાં ઢોકળા, વેફર, સોર્સ ખાધા બાદ ચા પીધો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી વીરપુર જવા નીકળ્યા હતાં. દરમિયાન અડધો કલાક થતાં જ એક બાદ એક તમામ દર્શનાર્થીઓની તબિયત લથડવા લાગી હતી. પ્રવાસીઓને ઝાડા ઉલ્ટી, ઉબકા અને ધ્રુજારી સહિતની ફરિયાદ ઉઠવા લાગતાં તમામને વીરપુર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં મેડીકલ ઓફિસર રાણપરીયા અને આરોગ્ય સ્ટાફ દ્વારા દર્શનાર્થીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.
રાજકોટ સિવિલમાંથી તબીબોની ટીમ દોડાવાઈ, 40 બેડનો સ્પેશિયલ વોર્ડ સ્ટેન્ડબાય
ગોંડલ મંદિરમાં નાસ્તો કર્યા બાદ 28 દર્શનાર્થીઓ અને 50 થી વધુ ગુરૂકુલના છાત્રોને ફુડ પોઈઝન થયાની ઘટના સામે આવતાં રાજકોટ આરોગ્ય તંત્ર એકશન મોડમાં આવી ગયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 10 તબીબોની ટીમ, 21 નર્સિંગ સ્ટાફ અને બાળકોના ડોકટર સહિતની ટીમને ગોંડલ ખાતે દોડાવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ સર્જન ડોકટર આર.એસ.ત્રિવેદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમને રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં કોરોના બિલ્ડીંગમાં 40 બેડનો સ્પેશ્યલ વોર્ડ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે.