તલગાજરડા નજીક 50 બાળકો ફસાયા, 3 સ્થળે વીજળી પડતા 5 દાઝ્યા
રાતોલ ગામ નજીક મોર્ડન સ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ તણાતા હેમખેમ બચાવી લેવાયા: તલગાજરડામાં કેડસમાણા પાણી ભરાયા
ભાવનગરના જવાહર મેદાન, ઘોઘા અને તળાજાના જૂની કામરોલ ગામે વીજળી પડી
સૌરાષ્ટ્રમાં આજે વિજળીના કડાકા ભડાકા સાથે મેઘતાડવ જોવા મળ્યો હતો. જેમાં ભાવનગર પંથકને વરસાદે ધમરોળી નાખ્યું છે. સવારથી અત્યાર સુધીમાં ગોહીલવાળમાં 9 ઇંચ સુધી વરસાદ ખાબકયો છે અને ત્રણ સ્થળે વિજળી પડતા પાંચ લોકો દાઝયા હતા. ઉપરાંત તલગાજરડા નજીક 50થી વધુ બાળકો નદીના પુરમાં ફસાયા હતા. તંત્ર દ્વારા તાબડતોબ જઇ રાતોલ ગામ નજીક 50 વિદ્યાર્થીઓ ભરેલી મોર્ડન સ્કૂલની બસનો રેસ્કયુ કરી બાળકોને હેમખેમ બહાર કઢાયા હતા. ભારે વરસાદના કારણે તલગાજરડામાં નદીઓ બે કાઠે વહેતા ગામમાં કેદ સમાણા પાણી ભરાય ગયા હતા.
મળતી વિગત મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં બે સ્થળે વિજળી પડી હતી જેમાં ભાવનગરના જવાહર મેદાન અને ઘોઘા તાલુકાના કરેળા ગામે વિજળી પડવાનો બનાવ બન્યો છે. કરેળા ગામમાં હિરાના કારખાનામાં વિજળી પડતા મહિલા અને જવાહર મેદાનમાં વિજળી પડતા પાંચ વ્યકિતઓને ઇજા પહોંચી હતી. જેમાં હાલ બે વ્યકિતઓ સારવાર હેઠળ છે અને ત્રણ વ્યકિતઓને રજા આપવામાં આવી છે.
આજે સવારે નવી કામળોલ ગામની પ્રાથમિક શાળામાં બાળકો પ્રાર્થના ગાઈ રહ્યા હતા. ત્યારે કડાકા ભડાકા સાથે જૂની કામળોલ ગામ પાસેથી પસાર થતી શોભાવડ જીજેવાય 11 કેવી વીજ લાઈનના તાર નજીક વીજળી પડી હતી. વીજળીનો મોટો કડાકો અને ડીપીમાંથી ધડાકાના અવાજ સાથે આંખ આંજી નાખે તેવો પ્રકાશ થતા પ્રાથમિક શાળાના બાળકો ગભરાઈ ગયા હતા.તેમજ રડવા લાગ્યા હતા.મોટા અવાજે બૂમો પાડતા સરપંચ અશોકભાઈ સહિત કેટલાક ગ્રામજનો દોડી આવ્યા હતા. પ્રથતો સ્કૂલ પર જ વીજળી પડી હોય તેવું લાગતું હતું.પરંતુ તપાસ કરતા જૂની કામળોલ મંદિરે બેઠેલા ભક્તના જણાવ્યા પ્રમાણે તેમણે વીજ પ્રવાહના તાર નજીક વીજળી પડતાં જોઈ હતી. વીજળી પડતાં જ ડીપીમાં થયેલા મોટા ધડાકાનો અવાજ સાંભળ્યો હતો.
સમ્રગ રાજ્યના 130 તાલુકાઓમાં અડધાથી 6 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને આજે પણ કાળાડીબાંગ વાદળોના ગંજ ખડકાતા વધુ વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ગુજરાતમાં વિધીવત ચુમાસાનું આગમન થતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. અને અડધાથી છ ઇંચ જેટલો ભારે વરસાદ વરસી જતા લોકોને બફારામાંથી મુકતી મળી હતી. તેમજ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગય હતી. તમામ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, ભરૂૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 17મી જૂને ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 18મી જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને 19 જૂને ભરૂૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે.