રાજકોટમાં ચાંદીપુરા વાઇરસના 5 શંકાસ્પદ દર્દીનાં મોત
જેતપુર-મોરબી પંથકમાં મજૂરીકામ કરતા મધ્યપ્રદેશના બાળકોના ભોગ લેવાયાનો ઘટસ્ફોટ
બ્લડ સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં મોકલાયા, રિપોર્ટ આવે તે પહેલાં જ પાંચ બાળકોએ દમ તોડયો
ગુજરાતમાં 13 જિલ્લામાં ફેલાયેલ ઘાતક ચાંદીપુરા વાઇરસ ગઇકાલે સાંજ સુધીમાં 15 બાળકોના ભોગ લીધાની અને 27 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયાની રાજયના આરોગ્ય મંત્રીની સતાવાર જાહેરાત વચ્ચે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસના પાંચ શંકાસ્પદ દર્દીઓના મોત નિપજયાનું સિવિલ હોસ્પિટલલના આર.એમ.એ ડો. દુસરાએ જાહેર કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
ડો. દુસરાએ જણાવ્યુ હતુ કે, મોરબી, જેતપુર તથા હડમતિયામા કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોના બાળકોને ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ લક્ષ્ણો જણાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ પુણેની લેબોરેટરીમાં મોકલવામા આવ્યા છે પરંતુ આ રિપોર્ટ આવે તે પહેલા બાળકોના મોત નિપજયા છે.
તેમણે જણાવ્યું હતુ કે, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા આ પરપ્રાંતિય શ્રમિકોના બાળકોના મોત આ વાઇરસથી જ થાય છે કે નહીં તે સ્પષ્ટ કહી શકાય નહીં બાળકોના બ્લડ સેમ્પલના નમૂનાના રિપોર્ટ લેબોરેટરીમાંથી આવે પછી જ ખબર પડી શકે. હાલ આ પાંચેય કેસ શંકાસ્પદ ગણવામા આવે છે. બાળકોમાં ચાંદીપુરમ વાઇરસ જેવા લક્ષ્ણો જોવા મળ્યા હતા.
રાજકોટની સિવિલ હોસ્પિટલના જનના વિભાગમાં જે મોત નીપજ્યા છે તેમાં (1) મોરબીના રાશી પ્રદિપભાઈ સાહરીયા (ઉવ.7 માસ) જે તા.12ના રોજ દાખલ થયેલ અને તા.14ના રોજ મૃત્યુ થયું હતું. (2) પડધરીના હડમતિયા ગામના પ્રદિપ ગોવિંદભાઈ રાઠોડ (ઉવ.2 વર્ષ) ગત તા.9ના રોજ દાખલ થયેલ અને તા.15ના રોજ મૃત્યુ થયેલ છે. (3) જેતપુરના પેઢલા ગામનો 8 વર્ષનો કાળુ ચંપુલાલ તા.15ના રોજ દાખલ થયેલ અને તે જ દિવસે તેમનું મૃત્યુ થયું. (4) મધ્યપ્રદેશથી રાજકોટ આવેલ સુઝાકુમાર બકલાભાઈ ધનક (ઉવ.13 વર્ષ) તા.16ના રોજ દાખલ થયેલ અને તેજ દિવસે મોત થયું હતું જ્યારે (5) મોરબીથી લાવવામાં આવેલ રિતીક રાજારામ (ઉવ.3) નું તા.17ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
ડો. દુસરાના કહેવા મુજબ ચાંદીપુરા વાઇરસના જે શંકાસ્પદ દર્દીઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમા જેતપુર અને મોરબીના બે-બે તથા હડમતિયા ગામના એક દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ શંકાસ્પદ દર્દીઓના મોત નિપજયા છે.
સિવિલ હોસ્પિટલમાં સાત ICU બેડનો ખાસવોર્ડ તૈયાર
રાજકોટ જિલ્લામાં પણ ચાંદીપુરા વાઈરસની એન્ટ્રી થતાં સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. દુસરાએ જણાવ્યું હતુ ંકે, 100 બેડના પીડિયાટ્રીક વિભાગમાં સાત આઈસીયુ બેડ ખાસ આઈસોલેટ કરી ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે અલગ કરવામાં આવ્યા છે. આ માટે હોસ્પિટલ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને પણ ખાસ તકેદારી રાખવા સુચના અપાઈ છે.
જિલ્લા આરોગ્ય અધિકારી અજાણ?
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસથી પાંચ મોત થયાનું આર.એમ.ઓ. જણાવે છે. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાઠોડ અજાણ હોય તેમ તેમણે જણાવ્યું કે, રાજકોટની નજીક આવેલ પડધરીની સીમમાં ખેત મજુરી કરતા અરવલ્લી જિલ્લાના પરિવારનાબે બાળકોને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે, પાંચ દિવસની સારવાર બાદ બાળકો સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જણાવ્યું હતું. તેમણે જણાવેલ કે, આ બન્ને બાળકોના બ્લડના નમુના પૂણેની લેબમાં મોકલાયા છે તેના રિપોર્ટ હજુ આવ્યો નથી. હાલ બન્ને બાળકો સ્વસ્થ છે અને જિલ્લામાં કોઈ સ્થળે નવા કેસ જોવાયા નથી.