ઉના-કોડીનારમાં રકતપિત્તનાં 5 શંકાસ્પદ દર્દી મળ્યા
આરોગ્ય તંત્રની દોડધામ શરૂ: ગીર સોમનાથ જિલ્લામાં 4 લાખથી વધુ વસ્તીમાં કરાયો સરવે
રક્તપિત્ત નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લાનો આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ. એસ. રોયની સૂચનાથી ઊના, કોડીનાર અને વેરાવળ એમ ત્રણ તાલુકાઓમાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 4 લાખથી વધુ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી માત્ર 5 દર્દીઓ જ પોઝિટિવ જણાયા હતાં.
આ પાંચેય દર્દીઓને સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે તમામ સારવાર સાથે જ દર મહિને રૂ.800ની તબીબી સહાય પણ આપવામાં આવે છે.ગીર સોમનાથ જિલ્લાના રક્તપિત્ત અધિકારી ડો.શીતલ રામે આ અંગે જણાવ્યું હતું કે, નજિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે ઊના, કોડીનાર અને વેરાવળ તાલુકામાં દર્દીઓને શોધવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ તાલુકાની 4,01,399 વસ્તીનો સર્વે કરાયો હતો. જેમાં 418 જેટલા દર્દીઓ શંકાસ્પદ જણાયા હતાં પરંતુ તેમાંથી માત્ર 5 દર્દી કે જેમાંથી ઊના તાલુકાના 4 અને કોડીનારનો 1 દર્દી પોઝિટિવ આવતા તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, રક્તપિત્ત રોગથી ગભરાવવાની જરૂર નથી. નિયમિત સારવાર અને તકેદારી રાખવામાં આવે તો રક્તપિત્ત માત્ર 6 મહિનાની સારવારમાં નાબૂદ થઇ શકે છે. જિલ્લામાં કોઇ પણ દર્દીઓને રક્તપિત્ત રોગ અંગે જાણકારી મળે તો નજીકના સરકારી દવાખાનામાં નિદાન અને મફત સારવાર કરાવી શકે છે. જેથી જિલ્લાને રક્તપિત્તના રોગમાંથી મુક્ત કરી શકીએ.
રક્તપિત્તના લક્ષણો
-શરીર ઉપર આછું, ઝાંખું, રતાશ પડતું બહેરાશવાળુ ચાઠું.
-આ ચાઠાઓમાં દુ:ખાવો કે ખંજવાળ ન થાય અને સંવેદના વગરના હોય છે.
-જ્ઞાનતંતુઓ જાડા થાય તેમજ તેમાં દુ:ખાવો પણ થઇ શકે.