ગુજરાતના 5 IAS અધિકારીઓએ પણ ખોટા પ્રમાણપત્રોથી નોકરી મેળવી?
પૂજા ખેમકર જેવા કૌભાંડની IAS-IPS લોબીમાં ચર્ચા, તપાસની ભણકાર
યુપીએસસીના નિયમોનો ભંગ કરીને સનદી અધિકારી પૂજા ખેમકર કાંડે દેશભરના વહીવટીતંત્રમાં સોપો સર્જયો છે ત્યારે ગુજરાતમાં પણ પાંચ સનદી અધિકારીઓ શંકાના દાયરામાં આવતા તપાસ થવાના ભણકારા છે. ગુજરાતની સનદી લોબીમાં આ મામલો અનેકવિધ ચર્ચા થવા લાગી છે.
ગુજરાતની આઈએએસ-આઈપીએસ લોબીમાં થતી ચર્ચા પ્રમાણે ગુજરાતમાં પોસ્ટીંગ ધરાવતા પાંચ સનદી અધિકારીઓના પરિણામ પણ શંકાસ્પદ છે.તેઓએ ખોટા સર્ટીફીકેટ રજુ કરીને નોકરી મેળવી હોવાનો આક્ષેપ છે.
રાજયના વહીવટીતંત્રમાં ફરજ બજાવતા પાંચ અધિકારીઓના નામો ચર્ચામાં છે તે પૈકીના એક સચિવાલયમાં સીનીયર પોસ્ટીંગ ધરાવે છે. આ જ રીતે અન્ય એક સીનીયર મહિલા આઈએએસ અધિકારી સામે પણ શંકાની સોય તાકવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર જુનીયર આઈએએસ અધિકારીઓ સામે તપાસનુ નાળચૂ તકાઈ શકે છે.
એવી પણ ચર્ચા છે કે ગુજરાતમાં પોસ્ટીંગ ધરાવતા આ પાંચેય અધિકારીઓ મૂળ ગુજરાતના પાડોશી રાજયના છે. સનદી લોબીમાં થઈ રહેલી ચર્ચાની વાત રાજય સરકારના કાન સુધી પહોંચી છે અને તેના આધારે સરકાર યુનિયન પબ્લીક સર્વિસ કમીશન (યુપીએસસી) મારફત તપાસ કરાવે તેમ માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાલ લાઈટને કારણે ચર્ચામાં આવેલી પૂજા ખેમકરના કેસમાં તપાસમાં મોટા કારસ્તાનો ખુલ્લા પડયા હતા. તેના વિશેના વિવાદ બાદ તેને ટ્રેનીંગ સેન્ટરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. યુપીએસસી દ્વારા તેના પરિણામ સહિતની બાબતોની ઉંડી તપાસ કરાતા નવા કારસ્તાનો ખુલાસો થયો હતો. 12 વખત પરીક્ષા આપીને ઉતીર્ણ થયાનુ બહાર આવ્યુ હતું જે ગેરકાયદે હતુ. આ માટે તેણે નામ-સરનામુ સહિતની વિગતો બદલાવી નાખી હતી. વિકલાંગ સર્ટીફિકેટમાં પણ ગોટાળા કર્યા હતા. યુપીએસસી દ્વારા પૂજા ખેમકર વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કરવાનું વિધિવત રીતે જાહેર કરાયુ જ છે.