અમૃતકાળમાં ગુજરાતના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારશે 5-G બજેટ: ભુપેન્દ્રભાઇ પટેલ
આજે નાણાપ્રધાન કનુભાઇ દેસોઇ રજુ કરેલા બજેટ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25 માટેનું બજેટ અમૃતકાળમાં ગુજરાતના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારનારું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલ વિકસિત ભારત 2047 ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત શ્રેષ્ઠ યોગદાન આપીને દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તેનો માર્ગ આ બજેટ પ્રશસ્ત કરશે. આ બજેટ ‘5-ૠ ગુજરાત” - એટલે કે, ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતની સંકલ્પના પર આધારિત છે. રાજ્યના દરેક વર્ગના લોકોને ઉત્તમ ગુણવત્તાયુક્ત જીવન પ્રાપ્ત થાય, વિકાસની સાથે વિરાસતનું પણ સંવર્ધન થાય તેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આ બજેટ વેગ આપશે.
આ બજેટમાં સમાજના ચાર વર્ગો - ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને વિશેષ પ્રાધાન્ય આપતી નવી યોજનાઓ તેમજ વિકાસલક્ષી જોગવાઈઓને હું બિરદાવું છું. આ ચારેય વર્ગોના સશક્તિકરણથી સમરસ સમાજના નિર્માણ થકી ગુજરાતના વૈશ્વિક વિકાસના નવા દ્વાર ખુલશે.