ગાંધીનગર નજીક કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા
ગાંધીનગરના નભોઇ ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાથી આશંકા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને બચાવ કામગીરી શરુ કરી હતી. આ અકસ્માતમાં એક યુવતી સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કેનાલમાંથી કારને પણ બહાર કાઢી લેવામાં આવી છે.
પોલીસની હાજરીમાં કારની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કારમાં સવાર તમામ લોકો અમદાવાદના નિકોલ વિસ્તારના ખોડીયારનગરમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. કારમાં પાંચ લોકો સવાર હતા. મૃતક યુવતીની ઓળખ ખુશી તરીકે કરવામાં આવી છે, જ્યારે યુવકનું નામ હર્ષ બારોટ છે. અન્ય એક મૃતકની ઓળખ બાકી છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, સામેની તરફથી આવી રહેલી કાળા કલર GJ03 MR 4783 નંબરની કિયા સેલ્ટોસ કાર પૂરપાટ આવી હતી અને અચાનક કેનાલમાં ખાબકી ગઇ હતી. આ કારમાં પાંચ લોકો સવાર હતા. હોમગાર્ડના જવાને દોરડું બાંધીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.
ગાંધીનગરના નભોઇ ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં અચાનક કાર ખાબકતાં કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે.અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બુમાબમ કરી હતી. સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક યુવતી સહિત ત્રણ લોકોની લાશ બહાર કાઢી છે, જ્યારે અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે.