એક કરોડની ખંડણી માગનાર NSUI સુરત પ્રમુખ સહિત 5 ઝડપાયા
શૈક્ષણિક સંસ્થાને બદનામ કરવાની ધમકી આપી એક કરોડની ખંડણી માંગવાની ઘટનામાં વસુલી કરવા ગયેલા NSUI ના પાંચ વ્યક્તિની ધરપકડ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ હતી.
આ અંગેની વિગત એવી છે કે, એક મહિના પહેલા (16/01/) સુરતમાં આવેલી રેડ એન્ડ વ્હાઈટ યુનિ. બોગસ હોવાના આક્ષેપ સાથે NSUI ના કાર્યકર્તાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ત્યાર બાદ (21/02/)એ NSUI ના નેતાઓ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ખંડણી માગતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં NSUI ના કાર્યકર્તા ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે ખંડણી સ્વીકરતા દેખાય છે. આ ઘટનાનું સ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટના જ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે વીડિયો અને ફરિયાદ આધારે પાંચ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં NSUI ના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે 1 કરોડની ખંડણી માંગી હતી. ત્યારબાદ સંસ્થા અને આ હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા 60 લાખ રૂૂપિયા આપવાનું નક્કી થયું હતું. પહેલા NSUI સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડાએ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.50 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ ફરી 60 લાખ રૂૂપિયાની માગણી કરી 5 લાખ રૂૂપિયા લેવા માટે ગયા હતા.
ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બાબતે સારોલી પોલીસને માહિતી આપવામાં આવી હતી. જેના આધારે સારોલી પોલીસે રવિ પૂંછડીયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી હતી. ઉપરાંત અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂૂપિયા સ્વીકારતા હોય તેવો સ્ટિંગ વીડિયો પણ ઉતારી લેવામાં આવ્યો હતો. જેને પુરાવા તરીકે મૂકવામાં આવ્યો છે.
આ લોકોએ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે, આ સંસ્થા બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે જે અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઈન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રિલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે જો તમે અમને એક કરોડ રૂૂપિયા નહીં આપો તો તમને દસ વર્ષથી વધુ સજાના ગુનામાં ફીટ કરી દઈશું. અમારે ખૂબ ઓળખાણ છે અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને એ લોકો પાસે એક કરોડની ખંડણી માગી હતી.