ઉત્તરમાં 48 ઈંચ, દક્ષિણમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં ધીંગો વરસાદ
સૌરાષ્ટ્રમાં ઓગસ્ટમાં વરસાદના ગેપની શક્યતા, રાજ્યના એકાદ ભાગમાં બારે મેઘ ખાંગા થશે
અખાત્રીજના પવનનો વરતારો
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા અખાત્રીના પવનો પર વરતારો કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન ક્યાં વધુ વરસાદ પડશે, ક્યાં મુશ્કેલી પડી શકે છે તથા રાજ્યના કયા ભાગમાં એકાદ અતિવૃષ્ટિનો પણ સામનો કરવો પડી શકે છે તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
ઉત્તર ગુજરાત
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અખાત્રીજના પવનના આધારે અદભુત સંકેત મળ્યા છે. ગુજરાતમાં નબળું ચોમાસું થવાનું નથી. અખાત્રીજના પવન પરથી જે સંકેત મળ્યા છે તેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં અમુક જગ્યાએ વાયવ્ય ખૂણામાંથી, પશ્ચિમ દિશાના, ક્યાંક નૈઋત્યના પવનો જોવા મળ્યા છે. અમુક સેન્ટરો એવા હતા કે જ્યાં અગ્નિ ખૂણાના પવનો ફૂંકાયા છે. એટલે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સામાન્ય રહેવાનું છે. ઉત્તર ગુજરાતમાં 35થી લઈ અમુક વિસ્તારોમાં 48 ઈંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં અગ્નિ દિશાના પવનો પણ જોવા મળ્યા છે. બની શકે કે બે-પાંચ તાલુકા એવા પણ નીકળે કે ત્યાં ચોમાસું ખૂબ નબળું પણ રહી શકે છે.
કચ્છ-સૌરાષ્ટ્ર
કચ્છમાં ખૂબ સારું ચોમાસું જોવા મળે તેવી શક્યતા અખાત્રીજના પવનો પરથી લગાવી શકાય તેમ છે.
સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પશ્ચિમના પવનો, વાયવ્ય અને નૈઋત્યના પવનો જોવા મળ્યા છે. એટલે સૌરાષ્ટ્રમાં પણ ખૂબ સારું ચોમાસું રહેવાનું છે. સામાન્ય કરતાં પાંચ-સાત ટકા વધુ વરસાદ પણ પડી શકે છે. ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રના પાંચ ટકા વિસ્તાર એવા હશે જ્યાં વરસાદની અછત પણ જોવા મળી શકે છે. તે વિસ્તાર ચોટીલાથી લઈને સાયલાના અમુક ગ્રામ્ય વિસ્તાર, ત્યાંથી લઈને જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં કદાચ થોડુંક ચિંતાનું કારણ ગણી શકાય. સાથે જ ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદનો એક ગેપ પણ આવી શકે છે. ઓગસ્ટ મહિનામાં કદાચ આ ગેપ આવી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો ખૂબ સારા વરસાદ પડશે, સામાન્ય કરતાં વધારે.
મધ્ય ગુજરાત
મધ્ય ગુજરાતના વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારોમાં પણ ચોમાસું એકંદરે સારું રહેશે. અહીં 25થી લઈ 40 ઈંચ સુધીના વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ તરફના વિસ્તાર દાહોદ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુરમાં સામાન્ય અથવા સામાન્યથી 7-8 ટકા ઓછા વરસાદ પડી શકે છે. અહીં 20થી 45 ઈંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે.
દક્ષિણ ગુજરાત
દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે મધ્યમ વરસાદના સંકેત મળ્યા છે. જેમાં રાજપીપળા, ભરૂૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, ડાંગ, બિલીમોરામાં એકંદરે મધ્યમ ચોમાસું રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતમાં પડતાં એવરેજ વરસાદની સરખામણીએ કદાચ 10 ટકા વરસાદ ઓછો પડે, પણ સાથે એવું પણ બને કે એકાદ અતિવૃષ્ટિ કદાચ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. સુરત, વલસાડ, નવસારી અથવા ડાંગમાં અતિવૃષ્ટિ જોવા મળે તેવી શક્યતા છે.