કોર્ટમાં સતત ગેર હાજર રહેતા 47 આરોપીઓને જેલ ભેગા કરી દેવાયા
તમામને હાજર રહેવાનો હુકમ પણ ધોળીને પી ગયા, દાખલારૂપ ચૂકાદો
સાવલીની એડિશનલ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને આકરો નિર્ણય લેતા મારામારીના કેસમાં તમામ 47 આરોપીઓને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. આ ઘટના 2021 માં બે જૂથો વચ્ચે થયેલી મારામારી સાથે સંબંધિત છે, જેમાં બંને પક્ષના 47 લોકો સામે રાયોટિંગ (હુલ્લડ)ની ફરિયાદ નોંધાઈ હતી. આ તમામ આરોપીઓ અગાઉ જામીન પર મુક્ત થયા હતા.
પરંતુ કોર્ટની સુનાવણી દરમિયાન કેટલાક આરોપીઓ વારંવાર ગેરહાજર રહેતા હોવાથી કોર્ટે આ અવગણનાને ગંભીરતાથી લીધી હતી અને તમામને જેલની હવા ખાવા મોકલી દીધા હતા.
આરોપીઓના વારંવાર ગેરહાજર રહેવાથી નારાજ થઈને કોર્ટે દસ દિવસ અગાઉ તમામને હાજર રહેવા માટે આદેશ આપ્યો હતો. જોકે, તેમ છતાં બે આરોપીઓ ગેરહાજર રહ્યા હતા. આથી, કોર્ટે આક્રમક વલણ અપનાવતા તમામ 47 આરોપીઓને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. આ નિર્ણય ન્યાયતંત્રની ગંભીરતા દર્શાવે છે કે કોર્ટની કાર્યવાહીની અવગણના કે હળવાશથી લેનારને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. આ ચુકાદો અન્ય આરોપીઓ માટે પણ એક દાખલારૂૂપ છે.
સાવલી કોર્ટનો આ નિર્ણય એ દર્શાવે છે કે કાયદાનું શાસન કેટલું મહત્વનું છે. આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવે ત્યારે કોર્ટમાં નિયમિત હાજર રહેવું તેમની ફરજ છે. જો તેઓ આ ફરજનું પાલન ન કરે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. આ નિર્ણયથી ભવિષ્યમાં આરોપીઓ કોર્ટની કાર્યવાહીને ગંભીરતાથી લેશે તેવી આશા છે. આ ચુકાદાએ સાબિત કર્યું છે કે કાયદાની પ્રક્રિયાનું પાલન અનિવાર્ય છે અને તેનો ભંગ કરનારને કાયદાની સજામાંથી મુક્તિ મળશે નહીં.