મુન્દ્રા પોર્ટ પર દુબઇથી મંગાવેલો 47.35 લાખનો યુરિયાનો જથ્થો ચાર શખ્સોએ બારોબાર વેચી માર્યો
મુન્દ્રામાં કસ્ટમમાં અને તેના નામે ભ્રષ્ટાચારનો પાર નથી. થોડા મહિના પહેલા કસ્ટમમાં લાંચીયા અધિકારીઓ પણ પકડાયા હતા તેમ છતાં વચેટીયાઓને કોઇ ખોફ નથી. તેવામાં મુન્દ્રાના અદાણી પોર્ટ પર દુબઈથી આયાત કરાયેલો યુરિયાનો જથ્થો બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યો છે. હરિયાણાના વેપારી પાસેથી ચાર શખ્સોએ અલગઅલગ બહાને રૂપિયા 13.40 લાખ પડાવી લીધા હતા. જે બાદ પોર્ટ પર પહોચેલો 47.35 લાખનો 120 ટન ટેકનીકલ ગ્રેડ યુરીયા પણ ન આપી કુલ 60.75 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ હરિયાણાના ફરિયાદી અરૂણપ્રતાપસિંગ શ્રીરામવીરસિંગ રાજપુતે મુન્દ્રા સિટી પોલીસ મથકે આરોપી પરાગ કીર્તિભાઈ દેસાઈ (મેઘપર કુંભારડી), અજય રાઠોડ, જયરાજસિંહ રાજેન્દ્રસિંહ રાણા (જામનગર) અને ચીરાહ શાહ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદીએ પોતાની પેઢી કોન્સેપ્ટો ગ્લોબલ ટ્રેડીંગ પ્રાઈવેટ લીમીટેડ મારફતે દુબઈથી એપ્રિલ 2023 માં 120 ટન ટેકનીકલ ગ્રેડ યુરીયા મંગાવ્યો હતો. જેના રૂપિયા 10.96 લાખ ટ્રાન્સફર કર્યા બાદ જુલાઈ મહિનામાં જથ્થો મળવાનો હતો. ફરિયાદીના મિત્ર મારફતે કસ્ટમ ક્લીયરન્સ માટે આરોપી પરાગ દેસાઈ સાથે વાતચીત કરાવી હતી. જે બાદ આરોપી અજય રાઠોડ સાથે વાતચીત થઈ હતી. ફરિયાદીએ આરોપીઓએ માંગેલા દસ્તાવેજો મોકલાવતા જીએસટી અને કસ્ટમ ડયુટીના રૂપિયા 10.23 લાખ ફરિયાદી પાસે ભરાવ્યા હતા. ત્યારબાદ માલની બાકી રહતી રકમ ફરિયાદીએ ભરપાઇ કરી દીધી હતી. ત્યાર પછી અલગઅલગ આઠ ચાર્જ બાબતે રૂપિયા 1.59 લાખ અને વજનની એન્ટ્રી સુધારવા રૂપિયા 60 હજાર સહીત કુલ રૂપિયા 13.40 લાખ આરોપીઓએ પડાવી લીધા હતા. પરંતુ ફરિયાદીને પોતાનો માલ ન મળતા આરોપીઓને વારંવાર કહેતા અલગઅલગ બહાના બતાવતા હતા. જેથી ફરિયાદી અને તેનો મિત્ર ગાંધીધામ આવી આરોપીઓને મળ્યા હતા.
જ્યાં ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે,તમારો માલ કસ્ટમ ક્લીયરન્સ કરાવી બારોબાર વેચી દીધો હોવાનું કહી થાય તે કરી લેવાનું કહ્યું હતું. આમ રૂૂપિયા 47.35 લાખનો યુરીયા અને કસ્ટમ ક્લીયરન્સ બાબતે રૂપિયા 13.40 લાખ મળી કુલ રૂૂપિયા 60.75 ની ઠગાઈ કરાતા મુન્દ્રા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.