રાજકોટમાં આજે પણ 45 ડિગ્રી, કાલે રેડએલર્ટ
બપોરે અઢી વાગ્યે 44.4 ડિગ્રી તાપમાન, ગઇકાલ કરતા આંશિક ઘટાડો
રાજકોટમાં ગઇકાલે રેકોર્ડ બ્રેક 46.4 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે બપોરે 2.30 કલાકે 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગઇકાલે સોમવારે બપોેરે 2.30 વાગ્યે તાપમાન 44.4 ડિગ્રી નોંધાયેલ હતું. આમ તાપમાનમાં એક ડિગ્રી જેવો આંશિક ઘટાડો નોંધાયો છે. જો કે, આમ છતા આજે બપોરે 44.4 ડિગ્રી તાપમાન હોવાથી સાંજે 4 વાગ્યા સુધીમાં તાપમાન 45 ડિગ્રીથી પણ વધી જવાની શકયતા છે. સતત આકરા તાપના કારણે બપોરે એક વાગ્યા બાદ બજારોમાં કર્ફયુ જેવી સ્થિતિ જોવા મળે છે. હજુ આવતીકાલે પણ રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.
સોમવારે રાજકોટમાં 46.2 ડિગ્રી સાથે એપ્રિલ માસનો રેકોર્ડ ગરમીએ તોડ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં 44 ડિગ્રી સાથે એપ્રિલમાં છેલ્લા 10 વર્ષનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજકોટમાં 46.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા ચાર દિવસમાં જ રાજકોટના તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો થયો છે. 2025 અગાઉ રાજકોટમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમીનો અગાઉનો રેકોર્ડ 44.8 ડિગ્રી હતો, 14 એપ્રિલ 2017માં આ તાપમાન નોંધાયું હતું. આ વર્ષે એપ્રિલમાં રાજકોટમાં ગરમી સતત 9 એપ્રિલના 45.2 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી ગયો હતો. આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે.
ગુજરાતમાં આ ઉપરાંત કંડલા એરપોર્ટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 45 સે.એ પહોંચ્યું હતું તો અમદાવાદ, અમરેલીમાં પારો 44 સે.ને પાર થઈ ગયો હતો. જ્યારે ગાંધીનગર 43 અને જુનાગઢ, ભૂજ, ભાવનગર, ડીસા 42 તથા વડોદરા 41 સે. સાથે સમગ્ર રાજ્યના ખાસ કરીને જ્યાં ગીચ વસ્તી છે તેવા મહાનગરોમાં લોકો અસહ્ય તાપથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અમદાવાદમાં પણ 3 વર્ષનું સૌથી વધુ તાપમાન આ એપ્રિલમાં નોંધાયું છે.