44 પોલીસ કર્મચારીઓની માગણી મુજબ બદલીમાં સેટિંગ?
લાયકાતવાળા અનેક રહી ગયા, ભલામણવાળા ફાવી ગયાની ચર્ચા
માનિતા આંગણિયાતોને અધિકારીઓએ પોતાની ટીમમાં ગોઠવી લીધા
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા બઢતી અને બદલીના હુકમો કરવામાં આવતાં શહેર પોલીસ બેડામાં હવે બઢતી બદલીઓનો દૌર શરૂ થયો છે ત્યારે ગઈકાલે પોલીસ કમિશ્નરે 44 પોલીસ કર્મચારીઓની માંગણી મુજબ, બદલી કરી હતી. આ બદલીના હુકમોમાં શહેર પોલીસ બેડામાં ભારે કચવાટ જોવા મળ્યો છે. માંગણી મુજબ કરાયેલી બદલીઓમાં મોટાપાયે સેટીંગ થયાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ બદલીઓના હુકમમાં છેલ્લા ઘણા વર્ષોથી સાઈડલાઈન થઈ ગયેલા લાયકાત વાળા પોલીસ કર્મચારીઓ કે જેમણે અગાઉ બદલી માટે અરજીઓ કરી હોય તે રહી ગયા હતાં અને ભલામણ વાળા ફાવી ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
શહેર પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટાપાયે ફેરફારો શરૂ થયા છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી આપીને તેમાં કેટલાક પોલીસ કર્મચારીઓની બઢતી સાથે બદલી પણ કરવામાં આવી હતી.
ઉપરાંત શહેરની મહત્વની ગણાતી ક્રાઈમ બ્રાંચ બાદ હવે પોલીસ વિભાગની સાઈડલાઈન થયેલી પીસીબી બ્રાંચને સક્રિય કરવા માટે તેમાં પણ નવી બદલીઓ કરવામાં આવશે તેવું અગાઉથી જ જાહેર થઈ ગયું હોય અને પોલીસ વિભાગનાં અલગ અલગ પોલીસ સ્ટેશન અને બ્રાંચમાં ફરજ બજાવતાં પોલીસ કર્મીઓની બદલી પૂર્વે એક યાદી તૈયાર કરવામાં આવી હતી અને દરેક પોલીસ સ્ટેશનમાંથી માંગણી મુજબ બદલી માંગતાં કર્મચારીઓની એક યાદી પોલીસ કમિશ્નર કચેરી ખાતે મંગાવવામાં આવી હતી. જે યાદીમાં 200 થી વધુ પોલીસ કર્મચારીઓએ માંગણી મુજબ બદલી માંગી હતી. પરંતુ આ બદલીનાં હુકમોમાં માત્ર 44 પોલીસ કર્મચારીઓને માંગણી મુજબ બદલાવવામાં આવ્યા છે. આ બદલીમાં લાયકાત વાળા અનેક પોલીસ કર્મચારીઓ રહી ગયા અને ભલામણ વાળા ફાવી ગયા હોવાનો ઘાટ સર્જાયો છે.
પોલીસ કર્મચારીઓની બદલીઓમાં 44 કર્મીઓની બદલી કરવામાં આવી છે. જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈનો સમાવેશ થાય છે. બીનહથિયારી 44 પોલીસ કમર્ચારીઓની બદલીમાં પોલીસ સ્ટેશનથી ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને આર્થિક ગુના નિવારણ શાખા તેમજ પીસીબીમાં મોટાપાયે ફેરફારો થયો છે અને નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બદલીના હુકમોમાં અગાઉ જેમણે બદલી માટેની અરજી કરી હોય તે તમામ અરજીઓને ધ્યાને લીધા વગર માત્ર ભલામણના આધારે બદલીના હુકમો થયાની ચર્ચા પોલીસ વિભાગમાં થઈ રહી છે. કેટલાક પોલીસ અધિકારીઓએ પોતાના માનિતાઓને આંગણીયા તરીકે પોતાના સાથે ટીમમાં લેવા માટેની જે ગોઠવણ કરી હતી તે પાર પડી ગઈ હોય અને આવા આંગણીયાતો મહત્વની બ્રાંચમાં ગોઠવાઈ ગયા છે. હવે ભવિષ્યમાં માનિતા પોલીસ કર્મચારીઓ પોતાના ઉપરીના કહેવા મુજબ કામગીરી કરશે.