ફીમેલ હેલ્થ વર્કરની નોકરી અપાવવાના બહાને 16 નોકરીવાંછુ પાસેથી 43.50 લાખની છેતરપિંડી
મંત્રીના પી.એની ઓળખાણ આપનાર શખ્સ સહિતની ત્રિપુટી સામે બોટાદ પોલીસમાં નોંધાતો ગુનો
બોટાદમાં રહેતી એક મહિલા તથા અન્યોને ફિમેલ હેલ્થ વર્કરની નોકરીની લાલચ આપીને રૂ.43,50,000ની છેતરપિંડીની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બોટાદની મહિલાએ આ અંગે એક મહિલા સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ બોટાદમાં આદેશ્વરનાથ એપાર્ટમેન્ટમાં રહેતા હેતલબેન પી.ગોહિલ(29) નામની ગૃહિણીએ આ અંગે બોટાદમાં રહેતા ભરત બી.સોલંકી, અમદાવાદમાં ગાયત્રી સોસાયટી તથા મૂળ લીંબડીમાં રહેતા શિલ્પા એ દવે તથા અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ શિલ્પાબેન તેમના પતિ સાથે બે વર્ષ અગાઉ સાળંગપુર હનુમાન ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યાં તેમની ઓળખ ભરત સોલંકી સાથે થઈ હતી. તેણે હેતલબેનની ઓળખ શિલ્પાબેન દવે સાથે કરાવી હતી. શિલ્પાબેન ગાંધીનગરમાં સચિવાલયમાં નોકરી કરે છે અને તેમની સારી ઓળખાણ હોવાનું પણ ભરતભાઈએ કહ્યું હતું. તેમણે હાલમાં સ્પર્ધાત્મક ભરતીઓ આવી રહી છે અને નોકરી માટે કોઈ સગા સંબંધીનું સેટિંગ કરવું હોય તો કહેજો એમ હેતલબેનને કહ્યું હતું. બાદમાં શિલ્પાબેને હેતલબેનને ગાંધીનગર ખાતે બોલાવીને અન્ય એક શખ્સ સાથે ઓળખાણ કરાવી હતી. તેમણે ફિમેલ હેલ્થ વર્કરની જાહેરાત આવી છે તેમાં ફોર્મ ભરી દેજો હું નોકરીનું સેટીંગ કરાવી દઈશ, એમ હેતલબેનને કહ્યું હતું.
ત્યારબાદ શિલ્પાબેને અન્ય એક વ્યક્તિની ઓળખ કરાવી હતી જેનું નામ જગદીશભાઈ હોવાનું કહ્યું હતું. તેણે હેતલબેનને જગદીશભાઈ મંત્રીના પીએ છે તેમ જણાવી તેના મોબાઈલ નંબર આપ્યા હતા. બાદમાં જગદીશભાઈએ સિલ્પાબેન સાથે પૈસાનો વહીવટ કરી નાંખો અને મારે શિલ્પાબેન સાથે તમામ વાત થઈ ગઈ છે કહ્યું હતું.બાદમાં ત્રણેય આરોપીઓએ હેતલબેનને ફિમેલ હેલ્થ વર્કરની નોકરી અપાવશે એવી લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા. જેના બદલામાં તેમણે હેતલબેન પાસેથી રૂ.8 લાખ લીધા હતા. તે સિવાય આ પ્રકારે અન્ય 15 લોકોને પણ નોકરીની લાલચ આપીને તેમની પાસેથી કુલ રૂ.35,50,000 લઈને છેતરપિંડી કરી હતી. જેને પગલે હેતલબેને બોટાદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.