ધોળકામાં લગ્ન સમારોહમાં 400ને ફૂડ પોઇઝનિંગ
પાંચથી વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 400થી વધુ લોકોની અચાનક તબિયત લથડી હતી. ફૂડ પોઈઝનિંગના કારણે 400થી વધુ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ધોળકાના પોપટપરા વિસ્તારમાં કાર્તિક ઘનશ્યામભાઈ કોળી પટેલના ઘરે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ અનેક લોકોની તબિયત અચાનક લથડવા લાગી હતી. મોટી સંખ્યામાં લોકોને ઝાડા અને ઉલટીની ફરિયાદ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
એક સાથે 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તંત્ર દોડતું થયું હતું. અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા માટે ધોળકા, બાવળા, વટામણ, કાવિઠા સહિતના વિસ્તારોમાંથી પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ અને અન્ય ખાનગી એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. અસરગ્રસ્ત તમામ લોકોને ધોળકાની પાંચથી વધુ અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે અસરગ્રસ્ત લોકોના હાલ-ચાલ પૂછ્યા હતા અને હોસ્પિટલ તથા મેડિકલ ટીમને તાત્કાલિક સારવાર શરૂૂ કરવા માટે સૂચના આપી હતી. હાલમાં તમામ અસરગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ખોરાકી ઝેરની આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.