ભાવનગરમાં પૂરમાં ફસાયેલી 400 ગૌમાતાનો આબાદ બચાવ
નારી ગામ નજીક પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ દ્વારા કરાયેલું રેસ્કયુ: 60થી વધારે લોકો ઓપરેશનમાં જોડાયા
ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નારી ગામ નજીક ચોમેર વરસાદી પાણી ફરી વળતા મોટી સંખ્યામાં અબોલ જીવો પૂરના પાણીમાં ફસાયા હતા. આ અંગેની આજે વહેલી સવારે જાણકારી મળતાં પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી ટીમ હેલ્પલાઇન વાહન સાથે બચાવ કાર્યમાં લાગી હતી. તેની સાથે 60થી વધુ જીવદયા પ્રેમીઓ રેસ્કયું ઓપરેશનમાં જોડાયા હતા.
આ અંગે પ્રેરણા ફાઉન્ડેશન ટીમને હેલ્પલાઇન નંબર પર વહેલી સવારે- 4.30 કલાકે ફોન આવ્યો હતો કે, નારીગામ નજીક સુરભી ગૌશાળામાં પૂરના પાણી ફરી વળતા અંદાજે 400 જેટલી ગાયો ફસાઈ છે. આ કોલ મળતાં જીવદયા હોસ્પિટલ અગિયાળી ટીમ અને અન્ય જીવદયા પ્રેમીઓ અંદાજે 60થી વધુ લોકો ગાયોના બચાવ માટે રેસ્કયું ઓપરેશનમાં જોડાયા હતા.
પ્રેરણા ફાઉન્ડેશનની હેલ્પલાઈન વાન સાથે તબીબી ટીમ, રેસ્કયું ટીમ અને મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ મદદે દોડી આવ્યા હતા. સેવાભાવી લોકોએ 25 થી વધુ બિમાર, અશક્ત-વિકલાંગ અને અંધ ગાય સહિત કુલ અંદાજે 400 અબોલ જીવને બચાવી લઈ સલામત સ્થળે ફેરવવામાં આવ્યા હતા.
પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રેમ કંડોલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગંભીર સ્થિતિની જાણ થતાં ભાવનગર પશ્ચિમના સેવાભાવી ધારાસભ્ય જીતુ વાઘાણી કાર્યકરો સાથે આબોલ જીવોની મદદે આવી પહોંચ્યા હતા અને ધારાસભ્યએ એનિમલ હેલ્પલાઇન વાહનમાં બિમાર ગાયોને બેસાડી બહાર કાઢવામાં મદદ કરી હતી. અબોલ જીવને બચાવવામાં એનિમલ હેલ્પલાઇન સહિત કુલ 12 જેટલા વાહનો કામે લગાડ્યા હતા.