અંબાજીના મહામેળામાં 40.41 લાખ માંઇભકતો ઉમટ્યા
વરસાદનું વિઘ્ન પણ આસ્થાને ડગાવી શકયું નહિં, અંતિમ દિવસે ગોઠણડૂબ પાણી ભરાતા મેળો અડધો દિવસ વહેલો પૂર્ણ કરાયો
4.69 લાખ લોકોએ પ્રસાદ આરોગ્યો, ભંડારામાં 2.71 કરોડની આવક, 3.47 લાખ લોકો બીમાર પડ્યા
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલ સાત દિવસના ભાદરવી પૂનમના મેળાની ગઇકાલે પૂનમના દિવસે બપોરબાદ વિધિવત પૂર્ણાહૂતિ ગઇ હતી. સતત વરસાદના વિધ્ન વચ્ચે પણ 41 લાખથી વધુ માંઇ ભકતો ઉમટી પડ્યા હતા.
આ મહામેળામાં સાત દિવસમાં 40.41 લાખ માંઇભકતો ઉમટ્યા હતા. છેલ્લા બે દિવસ અવિરત વરસાદ વચ્ચે પણ ભાવિકોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો જો કે, ગઇકાલે પૂનમના દિવસે અતિભારે વરસાદ અને મેળાના સ્થળે ગોઠણડૂબ પાણી ભરાતા અડધો દિવસ વહેલો મેળો પૂર્ણ કરાયો હતો.
આ મહામેળા દરમિયાન મોટા પ્રમાણમાં મોહનથાળની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા પણ અંબાજી આવ્યાં હતાં. છેલ્લા બે દિવસથી વરસાદ વિઘ્ન બન્યો હતો, પરંતુ ભક્તો વરસાદી વાતાવરણમાં પણ ચાલવાનું શરૂૂ રાખ્યું હતું.
આ દરમિયાન પોલીસ દ્વારા પણ સારી એવી કામગીરી કરવામાં આવી હતી. ભાદરવી પૂનમના પાવન પ્રસંગે મેળો સુખરૂૂપ અને શ્રદ્ધાથી પૂર્ણ થતા બનાસકાંઠા પોલીસ પરિવારે અંબાના સુવર્ણ શિખરે ધજા ચડાવી હતી.
ભાદરવી પૂનમના આ મહામેળામાં કુલ 40,41,306 ભક્તો આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. બાકીના આંકડાની વાત કરવામાં આવે તો, મેળા દરમિયાન ઉડનખટોલામાં 58,114 યાત્રિકો બેઠા હતાં. ગુજરાત એસટી વિભાગ દ્વારા મેળામાં કુલ 13,525 ટ્રિપ મારવામાં આવી જેમાં કુલ 05,92,420 લોકો મુસાફરી કરી હતી. મેળા દરમિયાન કુલ 3,072 ધજા રોહણ કરવામાં આવી હતી.
મેળા દરમિયાન આપવામાં આવેલ ભોજનની વાત કરવામાં આવે તો, 04,69,411 ભક્તોએ મંદિરમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. જ્યારે પ્રસાદ વિતરણમાં 23,20,802 મોહનથાળના પેકેટ અને 35,811 ચીકીના પેટેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.મેળા દરમિયાન થયેલી આવકની વાત કરવામાં આવે તો, ભંડાર/ગાદી પર કુલ 02,71,30,928 રૂૂપિયાની આવક નોંધાઈ છે. 03,47,672 લોકોને મેળામાં આરોગ્ય સારવાર આવવામાં આવી છે. આ મહામેળા દરમિયાન 232.610 ગ્રામ સોનાની અને 500 ગ્રામ ચાંદીની આવક થઈ છે.
કલેક્ટર-અધિકારીઓ ગરબે ધૂમ્યા, શિખર પર ધ્વજારોહણ
અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના છેલ્લા દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી ચાલેલા આ મહામેળામાં 40 લાખ માઈભક્તોએમાં જગતજનની અંબાના દર્શનનો લાભ લીધો હતો.
મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિતના અધિકારીઓએ માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું.
આ પ્રસંગે મંદિરના ચાચર ચોકમાં કલેક્ટર સાથે મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી અને દાંતા એસડીએમએ ગરબાની રમઝટ બોલાવી હતી. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સહિત વિવિધ વિભાગો અને સેવા કેમ્પના કર્મચારીઓએ મંદિર પરિસરમાં ભક્તો સાથે ગરબામાં ભાગ લીધો હતો. દર વર્ષની પરંપરા મુજબ મેળાના સમાપન પર માતાજીના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.