રાજકોટમાં ખ્યાતનામ વેપારી સહિત 4 લોકોના હૃદયરોગના હુમલાથી મોત
જય સીયારામ પેંડાવાળાના માલિક સાળાના ઘરે બેસવા ગયાને ઢળી પડયા: પરિણીતા, યુવાન અને વૃદ્ધે બેભાન હાલતમાં દમ તોડયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં ખ્યાતનામ જય સિયારામ પેંડાવાળાના માલિક સાળાના ઘરે બેસવા જતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આ ઉપરાંત પરિણીતા, યુવક અને વૃધ્ધનું પણ હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં ચારેય પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ ઉપર રહેતા અને પ્રસિધ્ધ જય સિયારામ પેંડવાળાના માલિક રઘુનંદનભાઈ સેજપાલ રાત્રિનાં સાડા આઠેક વાગ્યાના અરસામાં તેમના સાળાના ઘરે બેસવા ગયા હતાં ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. વેપારી રઘુનંદનભાઈ સેજપાલને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
બીજા બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર બીગ બજાર પાછળ આવેલ મારૂતિ ચોકમાં રહેતા મહેશભાઈ દયાળજીભાઈ લીંબડ નામના 60 વર્ષના વૃધ્ધ બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક વૃધ્ધ ચાર ભાઈ એક બહેનમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
ત્રીજા બનાવમાં કોઠારીયા મેઈન રોડ પર હંસરાજનગરમાં રહેતા ઈન્દુબેન રમેશભાઈ ઉકેરીયા (ઉ.45) પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ પરિણીતાનું મોત નિપજ્યું હતું. મૃતક ઈન્દુબેન ઉકેરીયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ત્રણેય બાળકોએ પિતા બાદ માતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો છે.
ચોથા બનાવમાં રાજકોટની ભાગોળે મેટોડા જીઆઈડીસીમાં કામ કરતાં ધનંજય હરિહરભાઈ પ્રસાદ નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં બાથરૂમમાં ન્હાવા જતાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું હાર્ટએટેકથી મોત નિપજયું હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક યુવક ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત ચારેય બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.