ટમેટાનો 4.2 ટન અખાદ્ય સોસનો જથ્થો ઝડપાયો
અમદાવાદના બાપુનગરમાં ધમધમતા કારખાના ઉપર ફૂડ વિભાગનો દરોડો, નમૂના ફેઇલ જતા જથ્થાનો નાશ કરાયો
શહેરના તમામ વિસ્તારોમાં રોડ ઉપર અને કોમર્શિયલ કોમ્પ્લેકસ વગેરે જગ્યાએ ચાલતાં ફાસ્ટફૂડ સેન્ટરો તેમજ નાની હોટલ-રેસ્ટોરન્ટ પૈકી અનેકમાં હલકી ગુણવત્તાની ચટણી, સોસ વગેરે ચીજવસ્તુ વાપરવામાં આવતી હોય છે, આવા અખાદ્ય સોસનો મોટો જથ્થો મ્યુનિ. ફૂડ વિભાગે જપ્ત કરી તેનો નાશ કરાવીને ઇતિહાસ સર્જ્યો છે.
મ્યુનિ. ફૂડ વિભાગનો હવાલો સંભાળતાં એડિશનલ હેલ્થ ઓફિસર ડો.ભાવિન જોષીએ જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ પટ્ટામાં બાપુનગર વિસ્તારમાં બદામી કોલસા મિલ કમ્પાઉન્ડમાં જાતજાતના કારખાના ધમધમે છે તેમાં એક કારખાનામાં સોસ બનાવવામાં આવતો હોવાની માહિતી મળતાં ફૂડ વિભાગની ટીમ મોકલી તપાસ કરાવવામાં આવતાં સેન્ડવીચ વગેરેમાં વપરાતો સોસ જથ્થાબંધ પ્રમાણમાં બનાવાતો હોવાનુ અને કારખાનામાં અનહાઇજેનિક કન્ડિશન તેમજ વેચાણ માટે તૈયાર સોસના પ્લાસ્ટિકના ડબ્બા જણાયા હતા. આથી ફૂડ વિભાગની ટીમે વેજીટેબલ ચટણી(સોસ)ના નમૂના લઇ મ્યુનિ.ની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા હતા.
લેબોરેટરીના રિપોર્ટમાં સોસના નમૂના ફેલ એટલે કે અખાદ્ય પૂરવાર થતાં જ નામ વગરના કારખાનામાં સ્થગિત કરાવેલો પ્લાસ્ટિકના કેરબાઓમાં ભરી રખાયેલો 4200 કિલો સોસનો જથ્થો જપ્ત કરી લેવાયો હતો અને સરસપુર એમ.એચ.મિલ કમ્પાઉન્ડમાં જેસીબીથી ખાડો ખોદાવીને પ્લાસ્ટિકના કેરબા સાથે સોસનો જથ્થો દાટી દઇ નાશ કરાવવામાં આવ્યો હતો તેમ ડો.ભાવિન જોષીએ જણાવ્યું હતું.
ફૂડ વિભાગે નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે આદિત્ય આર્કેડમાં ચાલતાં શ્રીજી રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિક કન્ડિશનને પગલે રેસ્ટોરન્ટને સીલ મારી દીધા હતા. તદઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં 818 જેટલાં વેપારીઓને ત્યાં તપાસ દરમિયાન 950 કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ મળી આવતાં તેનો નાશ કરાવીને 269 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે સાથે 2.53 લાખ રૂૂપિયા જેટલો વહિવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો હતો. તેની સાથે ફૂડ વિભાગની ટીમોએ વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થના 145 નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે.