વેસ્ટ ઝોનમાં 39.47 કરોડના નવા પેવર રોડ બનશે
વોર્ડ નં. 1, 8, 9, 10 અને વોર્ડ નં.11, 12ના છેવાડાના વિસ્તારોમાં પેવર કાર્પેટ અને રિકાર્પેટ સહિતના કામો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ
શહેરમાં ચોમાસા દરમિયાન મોટાભાગના ડામર રોડો તુટી જતા હોય છે. જેના માટે એક્શન પ્લાન અંતર્ગત પેવરકામ અને રિકાર્પેટ કરવામાં આવે છે. જ્યારે શહેરના છેવાડાના વિસ્તારમાં નવી સોસાયટી તેમજ નવા વિસ્તારોમાં પણ પેવર રોડની માંગણીઓ ઉઠતા મહાનગરપાલિકાએ વેસ્ટઝોનના છ વોર્ડમાં પેવર કાર્પેટ અને રિકાર્પેટ સહિતના કામો માટે રૂા. 39.47 કરોડનું ટેન્ડર કરવામાં આવ્યું છે. જેના લીધે વેસ્ટઝોનના તમામ 6વ વોર્ડમાં બાકી રહેલા અને મેટલીંગ થઈ ગયેલા રસ્તાઓને નવા પેવરથી મઢવામાં આવશે. જ્યારે વર્ષોથી રિપેર ન થયા હોય તેવા રોડ ઉપર રિકાર્પેટ કરવામાં આવશે.
મહાનગરાપલિકાના કમિશનર વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ચોમાસા બાદ એક્શન પ્લાન્ટ અંતર્ગત સૌપ્રથમ વરસાદી પાણીથી ધોવાઈ ગયેલા રોડ રસ્તાઓ અને ખાડાઓનું રિપેરીંગ કામ નવરાત્રી પહેલાથી જ ચાલુ કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થઈ ગયેલ છે. છતાં વધુ લંબાઈના તુટી ગયેલા રોડ રસ્તાઓ કે, જે પેવર કાર્પેટ કરવાના હોય તથા અમુક રસ્તાઓ ઉપર રિકાર્પેટ કરવાનું હોય તે મોટાભાગનું કામ બાકી હોવાથી ત્રણેય ઝોનના તુટેલા રોડ રસ્તાઓ તેમજ નવા રોડ રસ્તાઓ બનાવવા માટે સર્વે કરવામાં આવેલ જેના આધારે સૌ પ્રથમ વેસ્ટઝોનમાં વોર્ડ નં. 1, 8, 9, અને 10માં રિકાર્પેટ કામ તેમજ અમુક નવા મેટલીંગ રસ્તાઓ ઉપર પાવર કાર્પેટ કરવા માટે ટેન્ડર કરવામાં આવ્યું છે.
તેવી જ રીતે વોર્ડ નં. 11 અને વોર્ડ નં. 12ના છેવાડાના વિસ્તારોમાં સતત બનતી સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટોને લગતા રોડ રસ્તાઓ બનાવવા માટેની તે વિસ્તારના કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવેલ જેમાં સૌથી વધુ મેટલીંગ થઈ ગયા હોય અને એક ચોમાસુ નિકળી ગયું હોય તેવા મેટલીંગ રસ્તાઓ પર પાવર કાર્પેટ કરી નવા રોડ રસ્તાઓ બનાવવા તથા ટીપી સ્કીમ હેઠળ કબ્જે લેવાયેલા 40થી લઈને 80 ફૂટના માર્ગો ઉપર ડિવાઈડર સાથેના પેવર રોડ બનાવવા સહિતના કામોનું એક સાથે ટેન્ડર કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા વેસ્ટઝોનમાં 6 વોર્ડમાં નવા પેવર રોડ તેમજ રિકાર્પેટ માટે રૂા. 39.47 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ચોમાસા બાદ વેસ્ટઝોનના મોટાભાગના વિસ્તારોમાંથી રોડ બનાવવાની રજૂઆતો આવતીહતી. તેવી જ રીતે નવી સોસાયટીઓમાં પણ મેટલીંગ કામ થઈ ગયેલ હોય નવા રોડ ક્યારે બનશે તેવી પૂછપરછ પણ શરૂ થઈ હતી. આથી તંત્ર દ્વારા વેસ્ટઝોનના તમામ વોર્ડમાં આવતી સોસાયટીઓ તેમજ મુખ્ય રસ્તાઓને પેવરથી મઢવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેના લીધે એક માસ બાદ વર્કઓર્ડર થઈ જશે અને એક સાથે 6 વોર્ડમાં રોડ રસ્તાના કામ શરૂ કરવામાં આવશે.