લોક અદાલતમાં 37 હજાર કેસો મુકાયા; 60 ટકાનું થશે નિરાકરણ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શાહના હસ્તે દીપ પ્રાગટય: જુદી-જુદી કંપનીના અધિકારીઓ, વકીલો અને પક્ષકારો રહ્યા ઉપસ્થિત
રાજકોટ સહિત રાજ્યભરમાં આજે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં ક્રિમિનલ, એમએસીપી, ચેક રિટર્ન સહિતના વિવિધ ક્ષેત્રોના 37,000 જેટલા કેસો સમાધાન અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાં આશરે 60 ટકા જેટલા કેસોનો નિકાલ થશે તેવી આશા છે.
વધુ વિગત મુજબ રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે આજરોજ તા.12ને શનિવારના રોજ કરવામાં આવ્યું હતું.
તેના ભાગરુપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જે.આર. શાહના માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતનું ઉદ્દઘાટન મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જે.આર. શાહ દ્વારા દિપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી હતી. ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ હેડકવાર્ટરના તમામ ન્યાયાધીશ, બાર એસોસીએશનના પ્રતિનિધિઓ, જુદી જુદી વિમા કંપનીના ઓફીસરો, વકીલઓ, પી.જી.વી.સી.એલ અને વિવિધ બેંકના અધિકારીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના પુર્ણકાલીન સચિવ એચ.વી. જોટાણીયાએ લોક અદાલતથી પક્ષકારોને થતા લાભ તથા કોર્ટનું ભારણ ઘટાડવામાં લોક અદાલત કઈ રીતે મદદરુપ થાય છે તે અંગે તથા લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામાં આવેલ છે અને અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શક્ય બનશે તે અંગે માહીતી આપી હતી. વધુમાં મુખ્ય જીલ્લા ન્યાયાધીશ જે.આર. શાહે લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે સમાધાનથી કેસ ફેંસલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે છે તેને ધ્યાનમાં રાખી વધુમાં વધુ કેસો સમાધાનથી ફેંસલ થાય તેવી અપેક્ષા છે.
જુદી જુદી કેટેગરીના 37000 પેન્ડીંગ કેસો હાથ પર લેવામાં આવનાર છે. જેમાંથી 60 ટકાથી પણ વધુની સંખ્યામાં સમાધાનથી કેસોનો નિકાલ થાય તેવી આશા છે.
ઉદ્યોગપતિના અકસ્માત કેસમાં 65 લાખનું વળતર મંજૂર કરાયું
શાપર વેરાવળના વી . કે. ઇન્ડસ્ટ્રીઝવાળા કે જે સીએનસી મશીનનું કામ કરે છે તે યોગેશકુમાર હરેન્દ્રભાઈ મહેતા રાત્રીના 11 વાગ્યે પોતાની કારમાં શાપરથી રાજકોટ ઘરે જતા હતા ત્યારે કાંગાશીયાળી ગામ નજીક પુલ ઉપર સામેથી ખૂબ જ સ્પીડમાં આવતા ટ્રકે યોગેશભાઈની કાર સાથે અથડાવતા અકસ્માત સર્જેલ, જેમાં યોગેશભાઈને શરીરના તમામ ભાગોમાં ગંભીર પ્રકારની ઇજાઓ થયેલ અને તેમને સતત 3 મહિના સુધી રાજકોટ તથા અમદાવાદની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી હતી. દરમિયાન અકસ્માતે ઇજા સંદર્ભે યોગેશભાઈએ પ વકીલ તારીક પોઠિયાવાલા થકી રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ક્લેઈમ કેસ દાખલ કરેલ. દરમિયાન આજે યોજાયેલી લોક અદાલતમાં આ કેસ સમાધાન માટે હાથ પર લેવાતા સામાવાળા વીમા કંપની એચડીએફસી અરગો જનરલ ઇન્સ્યોરન્સના અધિકારી પુલકિતભાઈ, ચિરાગભાઈ તથા વીમા કંપનીના વકીલ કે. એલ. વ્યાસ સાથે યોગેશભાઈની ઇજા, આવક, દવા-સારવારના બિલો, ભવિષ્યની આવક મની નુકશાની, વિગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આજરોજ રૂૂ. 65 લાખમાં વીમા કંપની સાથે લોક અદાલતમાં સમાધાન કરવામાં આવ્યું હતું. આ કેસમાં અરજદાર વતી એડવોકેટ તારીક પોઠિયાવાલા, એમ. એ. સુરૈયા તથા નિલોફરબેન પોઠિયાવાલા રોકાયા હતા.