સૌ.યુનિ.ના 37 કર્મચારીઓને મળશે ગ્રેચ્યુઇટીની કપાત રકમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સતાની રૂએ 37 જેટલા કર્મચારીઓના પગારમાં વધારો કરી આપ્યો હતો તેમાં વાંધો ઉઠાવી અને ગ્રેચ્યુએટીની રકમ કપાત કરતા તે અંગે હાઇકોર્ટમાં અરજી થતા હાઇકોર્ટ યુનીવર્સિટીના આદેશને માન્ય રાખતા કર્મચારીઓની તરફેણમાં ફેસલો આવ્યો હતો. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના 37 નિવૃત થયેલ કર્મચારીઓને હાઇકોર્ટ દ્વારા મોટી રાહત આપ્યાનું જજમેન્ટ આપેલ છે.
આ કેસની વિગત એવી છે કે યુનિવર્સિટીના ધણા કર્મચારીઓને 1981 પહેલાનું પગાર ગ્રેડ આપી તેઓનું પગારનું ફીકસેશન કરવામાં આવેલ અને તે રીતેનો પગાર નિવૃત્ત તારીખથી નિવૃત્ત થયા ત્યાં સુધી તેના આધારે આપવામાં આવેલ. નિવૃત્તી વખતે આ બાબતે ઓડિટ ખાતાએ વાંધો લઇ જણાવેલ કે યુનિવર્સિટીએ પગાર વધારો કરી આપેલ છે તે બિનઅધિકૃત હતો અને યુનિવર્સિટીની તેમ કરવાની સત્તા ન હતી. એટલે ઓડિટના વાંધા કારણે નિવૃત્તી પછી દરેક કર્મચારીઓના નિવૃત્તી પછી તેમને મળવાપાત્ર ગ્રેચ્યુઇટીની રકમમાંથી મળેલ પગાર અને મળવાપાત્ર પગારની તફાવતની રકમ વસુલ કરવામાં આવેલ. જેની સામે યુનિવર્સિટીએ સરકારને ઘણી રજુઆતો કરેલ પણ યુનિવર્સિટી સફળ થયેલ નહી. જેથી કુલ 37 કર્મચારીઓ ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલ. જે રીટ પીટીશન બહુ મોડેથી દાખલ કરેલ હોય સીંગલ જજે તે રીટીશન સ્વીકારેલ નહી.
જેની સામે કર્મચારીઓએ તથા તેમના યુનિયન એટલે કે યુનિવર્સિટી નિવૃત્ત કર્મચારી એસોસીએશન વતી વી.એસ. જોશી તથા અન્ય કર્મચારીઓએ મળી હાઇકોર્ટની ડીવીઝન બેંચમાં અપીલ કરેલ. ગુજરાત હાઇકોર્ટના ડીવીઝન બેંચે અપીલ અંગે યુનિયન અને કર્મચારીઓના વકીલને સાંભળેલ અને યુનિવર્સિટીના તથા સરકારના વકીલને પણ લંબાણપુર્વક સાંભળેલ અને ડીવીઝન બેંચે કર્મચારીઓની તરફેણમાં અપીલ મંજુર કરેલ અને ઠરાવેલ કે કર્મચારીઓને જે પગાર ફીક્સ કરવામાં આવેલ તેમાં કોઇ ભુલ થયેલ નથી અને તે કાયદેસર રીતે યુનિવર્સિટીની સત્તા અનુસાર મંજુર કરવામાં આવેલ. જેથી તેઓની ગ્રેચ્યુઇટીની રકમમાંથી કપાત કરેલ રકમ જે તે વ્યક્તિને અને ગુજરી ગયેલ હોય તો તે કર્મચારીઓના વારસોને ત્રણ માસની અંદર ચુકવી આપવાનો હુકમ કરેલ છે. આ કામમાં યુનિયન અને કર્મચારીઓ વતી એડવોકેટ બી. બી. ગોગીયા, રવી. બી. ગોગીયા, કાજલ કલવાણી તથા આનંદ ગોગીયા રોકાયેલ હતા.
ચાર માસમાં તપાસ કરી નિર્ણય કરવા હાઇકોર્ટનો આદેશ
બીજા એક કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કેતન ચંદ્રકાન્ત ઠાકર નામની વ્યકિત જેઓ યુનિવર્સીટીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને 22 વર્ષની નોકરી પછી રાજીનામું આપી છુટા થયેલ, પણ યુનિવર્સીટીએ કોઈપણ કર્મચારીના પગારમાંથી પ્રોવિડન્ડ ફંડની રકમ કપાત કરેલ ન હોય અને તેટલી રકમ યુનિવસીર્ટીએ પણ પ્રોવિડન્ડ ફંડ ખાતામાં જમા કરાવેલ ન હોય અરજદારને ઘણુ આર્થિક નુકશાન થયેલ. તે બાબતે કર્મચારીઓના પ્રોવિડન્ડ ફંડ સ્કીમ અંગે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી દાદ માંગતા ગુજરાત હાઈકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને પ્રોવિડન્ડ ખાતાને આદેશ આપેલ છે કે અરજદાર કર્મચારીને યુનિવર્સીટીએ પ્રોવિડન્ડ સ્કીમ લાગુ પાડેલ નથી તે અંગે કાયદાની કલમ 7(એ) નીચે તપાસ કરી ચાર માસની અંદર નિર્ણય લેવાનો આદેશ કરેલ છે.