જામકંડોરણામાં 351 દીકરીનો શાહી લગ્નોત્સવ સંપન્ન
દોઢ લાખ લોકો ઊમટ્યાં, જયેશ રાદડિયા અને ટીમની કાબિલેદાદ વ્યવસ્થા
એક સાથે 351 વરરાજાઓના સામૈયામાં સર્જાયા અભૂતપૂર્વ દ્રશ્યો
ડી.જે., બેન્ડવાજા અને 100 ઢોલીના તાલે હજારો લોકો નાચ્યા
ચાંદીના ઘરેણાં સહિત દીકરીઓને 121 ચીજ-વસ્તુઓનો ટ્રક ભરીને કરિયાવર
શ્રી જામ કંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય દ્વારા ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં જામકંડોરણા ખાતે "લાડકડીના લગ્ન" આઠમા શાહી સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને આશરે દોઢ લાખ જેટલા લોકોની સાક્ષીએ 351 દિકરીઓએ ગૃહસ્થ જીવનનો મંગલ પ્રારંભ કર્યો હતો. શુક્રવારે રાત્રે યોજાયેલા આ ભવ્ય સમુહ લગ્ન જામ કંડોરણા પંથક માટે ‘ન ભૂતો ન ભવિષ્યતી’ સમાન બની રહ્યા હતાં. એક સાથે 351 વરરાજાઓના સામૈયા અને ત્યાર બાદ રાત્રે 351 દિકરીઓની વિદાયની વેળાએ વાતાવરણ લાગણીસભર બની ગયું હતું અને લાખો લોકો તથા આગેવાનોએ આશિર્વાદ સાથે દિકરીઓને વિદાય આપી હતી.
બપોરે બે વાગ્યે સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાંથી 351 જાન જામ કંડોરણાના પાદરમાં આવી પહોંચી હતી અને ત્યાર બાદ બપોરે 2:30 વાગ્યાથી 3:30 વાગ્યા દરમિયાન ગામના પાદરથી લગ્નસ્થળ સુધી જાનના સામૈયા કરવામાં આવ્યા હતાં. આ 351 જાનમાં આશરે 50 હજાર લોકો નાચ-ગાન સાથે જોડાયા હતાં. 10 જેટલા ડી.જે., બેન્ડવાજા અને 100 જેટલા ઢોલીઓની ધમાલ વચ્ચે એક કલાક સામૈયું ચાલ્યું હતું અને લોકો મનમુકીને નાચ્યા હતાં. મહેમાનો વિન્ટેજકાર તથા ખુલ્લી જીપમાં સામૈયા સાથે જોડાયા હતાં. લગ્ન સ્થળે દરેક જાન પહોંચ્યા બાદ લગ્નવીધી શરૂ થઈ હતી.
આ સિવાય સમાજના કાર્ય માટે અમે જ્યારે પણ દાતાઓ પાસે હાથ લાંબો કર્યો છે ત્યારે દાતાઓએ કોઈપણ સવાલ કર્યા વગર માગ્યા મોઢે દાન આપ્યું છે. અને આ દાન થકી આ ધરતી ઉપર સમાજ સેવાનો મહાયજ્ઞ દિવસે દિવસે તપી રહ્યો છે. તેનું મને ગૌરવ છે. આ શાહી સમુહ લગ્નોત્સવના આયોજક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના કાબીલેદાદ આયોજનના લોકોએ મોફાટ વખાણ કર્યા હતાં. અને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ યાદ કરી "મોરના ઈંડાને ચિતરવા ન પડે” તે કહેવત સાર્થક કરી બતાવી હોવાનું જણાવ્યું હતું. આ લાડકડીના ભવ્ય લગ્નોત્સવ સમારોહના ઉદ્ઘાટક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ હાજર રહ્યા હતાં. આ સિવાય રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સંસદસભ્ય રમેશભાઈ ધડુક, પૂર્વ ભાજપ અધ્યક્ષ આર.સી ફળદુ, જીતુભાઈ વાઘાણી, નરહરી અમિન, ડો. ભરત બોઘરા વિગેરે રાજકીય મહાનુભાવો હાજર રહ્યા હતાં.
લગ્નોત્સવની દિપ પ્રાગટ્ય વિધી ખોડલધામ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, વસંતભાઈ ગજેરા (લક્ષ્મી ડાયમંડ-સુરત), રમેશભાઈ ગજેરા (ભક્તિગૃપ સુરત), પરસોતમભાઈ ગજેરા (સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-સુરત), રાજુભાઈ હિરપરા (પ્રમુખ સૌ. લેઉવા પટેલ સમાજ નાથદ્વારા) તેમજ રાજકોટના અગ્રણી બિલ્ડર વિપુલભાઈ ઠેસિયાના હસ્તે કરવામાં આવી હતી.જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ સમુહ લગ્નોત્સવમાં પ્રથમ વખત 351 દિકરીઓ લગ્ન જીવનના તાંતણે બંધાઈ હતી. વર અને ક્ધયા બન્નેપક્ષના ગમે તેટલા લોકોને આવવાની છુટ આપવામાં આવી હતી. અંદાજે દોઢેક લાખ માણસો માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે પાંચ હજારથી વધુ સ્વયંસેવકોએ સતત આઠ દિવસથી રાત-દિવસ જહેમત ઉઠાવી હતી.
સમુહ લગ્નમાં જોડાનાર દિકરીઓને ફ્રીઝ, લાકડાના બેડ, સોફા, ચાંદીનો કંદોરો, ચાંદીના પાયલ, સોનાનો દાણા નંગ-4, ચાંદીની અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ 121 ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. આ સમુહ લગ્નોત્સવ માટે દાતાઓએ મનમુકીને દાન આપ્યું છે. તેમનો પણ સંસ્થાવતી હું આભાર માનું છું.
સમુહલગ્નોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડિયા ઉપરાંત ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા, ખજાનચી વિઠલભાઈ બોદર, માનદ મંત્રી નિલેષભાઈ બાલધા, બાંધકામ સમિતિ ચેરમેન- ક્ધયા છાત્રાલય મોહનભાઈ કથિરિયા, કુમાર છાત્રાલય બાંધકામ સમિતિના ચેરમેન ધનજીભાઈ બાલધા તેમજ ટ્રસ્ટીઓ જયંતિલાલ પાનસુરિયા, અરવિંદભાઈ ત્રાડા, મનસુખભાઈ સાવલિયા, જમનભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, રમેશ ખીચડિયા, મનોજભાઈ રાદડિયા, જશમંત કોયાણી, કિરણ કોયાણી, કરશનભાઈ બાલધા, બચુભાઈ બાલધા, દામજીભાઈ બાલધા, ધિરજલાલ ગજેરા, વિનોદરાય પાનસુરિયા, જિવરાજભાઈ સતાસિયા, વલ્લભભાઈ કોટડિયા, નાથાભાઈ રૈયાણી, ધીરજલાલ સતાસિયા, છગનભાઈ સાવલિયા, ઝવેરભાઈ ભંડેરી, ભોવાનભાઈ વાગડિયા, હરિલાલ રાજપરા, વલ્લભભાઈ કાછડિયા, જમનભાઈ વાદી, નાથાભાઈ ત્રાડા, લાલજીભાઈ ડોબરિયા, ધીરજલાલ પોકિયા, હરસુખભાઈ વેકરિયા, ગોપાલભાઈ વઘાસિયા, ભીખાભાઈ અજુડિયા, મનસુખભાઈ રેણપરા, જગદીશભાઈ પીપળિયા, વલ્લભભાઈ રૂૂપાપરા, બાવનજીભાઈ પાદરિયા, સવજીભાઈ સોરઠિયા, છગનભાઈ ઘાડિયા, રણછોડભાઈ પોકિયા, વેલજીભાઈ પટોડિયા, ભગવાનજીભાઈ ગીણોયા, રામજીભાઈ બાલધા, ધરમશીભાઈ સાવલિયા, વ્રજલાલ સતાસિયા, લાલજીભાઈ વેકરિયા, ભગવાનજીભાઈ બાલધા, દિપકભાઈ બાલધા, મહેશભાઈ સેંજલિયાએ જહેમત ઉઠાવી હતી.
લગ્નોત્સવનાં મુખ્ય દાતાશ્રી સહિત તમામ દાતાઓનું કરાયું સન્માન
લાડકડીનાં લગ્નોત્સવનાં મુખ્ય દાતા સ્વ.વલ્લભભાઇ ખીમજીભાઇ ગજેરા તેમજ સ્વ.જયાબેન વલ્લભભાઇ ગજેરાના સુપુત્રો રમેશભાઇ વલ્લભભાઇ ગજેરા તેમજ પરસોત્તમભાઇ વલ્લભભાઇ ગજેરા(દાસભાઇ) સહિતનાં નાના મોટા તમામ દાતાઓશ્રીનું અદકેરૂૂ સન્માન કરવામાં આવ્યું હતું. અને આવતા વર્ષે નવમો સમુહ લગ્ન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સમુહ લગ્નોત્સવ માટે પણ અત્યારથી જ નામ નોંધણી શરૂ કરી દેવાનું જણાવાયું હતું.