અસારવા સિવિલ હોસ્પિટલના આઠ તબીબો સહિત 35નો સ્ટાફ ડેન્ગ્યૂની ઝપટે
અસારવા સિવિલ કેમ્પસમાં વરસાદી માહોલમાં કેટલીક જગ્યાઓએ પાણી ભરાઈ રહેતાં અને સ્વચ્છતાના અભાવના કારણે ખુદ ડોક્ટરો અને સ્ટાફ ડેન્ગ્યૂ સહિતની બીમારીની ઝપટે ચડયા છે.સિવિલમાં સાતથી આઠ ડોક્ટરો તેમજ 25થી 30 જેટલા વર્ગ-3થી 4ના કર્મચારીઓને ડેન્ગ્યુ થયો છે, જેમાંથી મોટા ભાગનાએ સિવિલમાં જ સારવાર મેળવી છે અને કેટલાક સાજા થયા છે. જો કે, સિવિલ હોસ્પિટલ તંત્ર આ બાબતે મૌન છે. તંત્રના કહેવા પ્રમાણે એકાદ કેસ આવ્યો છે.
બીજી બાજુ તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલને મેલેરિયા ખાતાની નોટિસ મળી હોવાનું જાણવા મળ્યું છે. ચોમાસાની વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા વકર્યો છે, જોકે રોગચાળામાં દર્દીઓની સારવાર કરતાં ખુદ ડોક્ટરો સિવિલમાં સ્વચ્છતાના અભાવનો ભોગ બનતાં માંદા પડયા છે, સિવિલમાં ઓપીડી વિભાગ, ટ્રોમા સેન્ટર આસપાસ તેમજ કેમ્પસમાં કેટલાક સ્થળોએ પાણી ભરાયેલા રહેતાં મચ્છરજન્ય બીમારી વકરી છે. હમણાં જ મેલેરિયા ખાતાએ સિવિલ હોસ્પિટલ તંત્રને નોટિસ ફટકારી હતી. સિવિલ કેમ્પસમાં ગંદકીનો ઝડપી નિકાલ થાય તે માટે તંત્રે કામગીરી કરવાની જરૂૂર હોવાનો એક મત પ્રવર્તી રહ્યો છે.મહત્ત્વનું છે કે, ગત મહિનાની સરખામણીએ હાલમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ચિકુન ગુનિયા, ટાઈફોઈડ સહિતના કેસનું પ્રમાણ વધ્યું છે અને આગામી દિવસોમાં રોચગાળો વધુ વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે.