ઇદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇને 3000 પોલીસ તૈનાત
રાજકોટ સહીત ગુજરાતમાં બે દિવસ ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવાર આવતા હોય જેને લઇ રાજકોટ પોલીસ એલર્ટ થઇ છે અને આ બન્ને દિવસ માટે રાજકોટ શહેરમાં 3000 પોલીસને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવશે. બન્ને તહેવારો ઉપર હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો મોટી સંખ્યામાં વિસર્જન યાત્રા અને ઝુલુસરૂૂપે રસ્તા પર હોય છે, ત્યારે રાજકોટ શહેરમાં કોમી એખલાસતા જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3000 પોલીસ બે દિવસ ખડેપગે રસ્તામાં તૈનાત રહેશે. તેમજ શોભાયાત્રાના અને ઝુલુશના રૂૂટ ઉપર સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતના અધિકારીઓ તેમજ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે શોભાયાત્રાના સમગ્ર રૂૂટ ઉપર ડ્રોનકેમેરા તેમજ સીસીટીવીની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના નિરીક્ષણ હેઠળ બે દિવસ સુધી ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિતનો બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ઈદ-એ-મિલાદ માટે 3 ડીસીપી,6 એસીપી,20 પી.આઈ,80 પીએસઆઈ સાથે 1581 પોલીસ જયારે ગણેશ વિસર્જનના દિવસે 3 ડીસીપી,6 એસીપી,18 પી.આઈ,80 પીએસઆઈ સાથે 1350 પોલીસ તૈનાત રહેશે. શુક્રવારે ઈદ-એ-મિલાદ અને શનિવારે ગણેશ વિસર્જન હોય જેના માટે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંને દિવસ 3000 જેટલી પોલીસ શહેરના રસ્તા પર હાજર રહેશે. શહેરમાં કોઈપણ સંજોગોમાં કોમી એખલાસતાનો માહોલ ન બગડે તે માટેની શહેર પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઇના અધ્યક્ષસ્થાને મળેલી શાંતિ સમિતિની આ બેઠકમાં મુસ્લિમ સમાજના જુલુસ કમિટીના સભ્યો, ગણપતિ પંડાલના આયોજકો, શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગણપતિ પંડાલના આયોજકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. ગણેશ મહોત્સવ નિમિત્તે મૂર્તિ વિસર્જન દરમ્યાન વાહન ચાલકો, રાહદારીઓ તેમજ મહોલ્લામાં રહેતા રહીશોને કોઇ પણ રીતે ત્રાસ કે તકલીફ ન થાય તે રીતે આયોજન કરવા અને કોઈ પણ અઘટિત ઘટના ન ઘટે તેની ખાસ તકેદારી રાખવા પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે.