ગુજરાતમાં 5 વર્ષમાં 30 હજાર લોકોને કાળોતરા કરડયા
દૈનિક 17 લોકોને ડંખ મારતા હોવાનો રિપોર્ટ: 2020થી 2024 સુધીમાં સર્પ દંશથી 120થી વધુ લોકોના મોત
સામાન્ય રીતે ચોમાસામાં સાપ કરડવાના બનાવો વર્ષ દરમિયાન સૌથી વધુ બનતા હોય છે. તેથી આ સિઝનમાં લોકોએ ખાસ તકેદારી રાખવી ખૂબ જ જરૂૂરી છે. કેન્દ્ર સરકારે લોક્સભામાં આપેલા જવાબ અને આરોગ્ય વિભાગ મુજબ ગુજરાતમાં 2020થી 2024 દરમિયાન સાપ કરડવાનાં 30 હજાર કેસ નોંધાયા છે અને 120 લોકોના મોત સાપના ડંખ મારવાથી નીપજ્યાં છે આજે વિશ્વ સાપ દિવસની ઉજવણી થઈ રહી છે આખા વિશ્વમાં સાપ કરડવાના કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. દેશમાં વર્ષે સરેરાશ 50 હજાર મૃત્યુ તો સાપ કરડવાના કારણે થાય છે.
ગુજરાતની વાત કરીએ તો વલસાડ, તાપી, ડાંગ, નવસારી, કચ્છ, બનાસગકાંઠા, સાબરકાંઠામાં સાપ કરડવાના કેસ વધારે સામે આવે છે. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં રોજ સરેરાશ 17 લોકોના સાપ કરડે છે.
આવા કિસ્સામાં જો તાત્કાલિક સારવાર આપવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે. પરંતુ અંધશ્રદ્ધા જેવા ચક્કરમાં પડીને લોકો સમયસર સારવાર નથી કરાવતા જેથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે ગુજરાત સહિત તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યમાં સાપ કરડવાનાં કેસ વધુ નોંધાયા છે.
રાજ્યમાં ચોમાસા દરમિયાન ખેતર અને જંગલ વિસ્તારમાં અને ખાસ કરીને આદિવાસી જિલ્લામાં સાપ કરડવાના કેસ વધુ નોંધાયા છે. વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરે છેલ્લાં એક વર્ષમાં અમદાવાદ શહેરી વિસ્તારની આસપાસથી 492 સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યા છે.
સૌથી વધુ સાપ કરડવાનાં કેસમાં ગુજરાત પણ સામેલ છે. ભારતમાં વર્ષે 50 હજાર મોત સાપ કરડવાથી થાય છે. જે દુનિયમાં સૌથી વધુ છે. 2022થી 2024 દરમિયાન 3 વર્ષમાં દેશમાં 2.70 લાખ સાપ કરડવાના કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે જૂન માસ સુધીમાં અમદાવાદમાં 74 અને સમગ્ર રાજ્યમાં 4289 લોકોને સાપ કરડયાના બનાવ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગયા વર્ષે કુલ 259 લોકોને સાપ કરડ્યા હતા.
અંકલેશ્વરમાં 12 કુટુંબનાં 25 પ્રકારની પ્રજાતિના સાપ
અંકલેશ્વરમાં 25 જેટલા પ્રકારના સાપ નોંધાયા છે. જેમાં અંકલેશ્વરમાં ઝેરી તેમજ બિન ઝેરી સર્પની હયાતી જોવા મળી રહી છે.શહેરમાં પકડાતા સાપમાંથી વધુ સાપ સ્પેકટકલેડ કોબ્રા અને રસેલ વાઇપર, ક્રેટ પકડાય છે. શહેરમાં મળી આવતા 40% સર્પ કોબ્રા અને કાળોતરા એટલે કે કોમન ક્રેટ પ્રકારના ઝેરી હોય છે. શહેરમાં નીકળતા બિનઝેરી સાપ માત્ર 60 ટકા હોવાથી સાપ નીકળતા જ લોકોના હોશ ઊડી જાય છે બિનઝેરી સાપ માં તાંબાપીઠ, રૂૂપસુંદરી ઝિંકેટ સાપ, ડેડવું, રસેલ કૂકરી,રેસર સ્નેક, આંધળી ચાકણ, સ્ટ્રીપ્સ કીલબેક, વરુદંતી, સેન્ડ બોવા જોવા મળે છે. કાળોતરો, ખડચિતળો અને ફુરસો સાપ ઝેરી હોવાથી તેના સર્પદંશથી મૃત્યુનો ભય રહે છે ત્યારે સરીસૃપ પ્રાણીઓ ને સલામત રીતે પકડવા માટે યુવાનો આગળ આવ્યા છે જરૂૂરી સાપની ઓળખ અને પકડવાની તાલીમ મેળવી ને સરીસૃપ પ્રાણીઓને પકડી લેતા હોય છે.
સર્પદંશ ટાળવા માટેની માર્ગદર્શિકા
શું કરવું: સાપનો સામનો થાય તો શાંતિ જાળવવી અને ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું, વન વિભાગની હેલ્પલાઇન નંબર 1926 પર સંપર્ક કરવો, દંશગ્રસ્ત અંગને સ્થિર રાખવું અને તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોચીને ઉપચાર કરાવવો.
શું ન કરવું: ગભરાવું નહીં, સાપને ચીડવવો કે ખલેલ પહોંચાડવી નહીં, દંશ સ્થળે કાપવું કે ચૂસવું નહીં, તાંત્રિક અને ઘરગથ્થુ ઉપચાર પર નિર્ભર રહેવું નહીં, સાપને પકડવાનો કે મારવાનો પ્રયાસ કરશો નહીં, પવન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972થ હેઠળ સાપને મારવો કે નુકસાન પહોંચાડવું ગુનો બને છે.