સર્વિસ સ્ટેશનમાં કામ કરતા સંચાલક સહિત 3ને વીજ શોક લાગ્યો: એકનું મોત
રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલ દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડ હેદરીચોકમાં મોડી રાત્રે સર્વિસ સ્ટેશનમાં કામ કરી રહેલા સર્વિસ સ્ટેશનના મલિક કર્મચારી અને કર્મચારીના બનેવી લોખંડના થાંભલામાં વેલ્ડીંગ કરી થાંભલો ઉભો કરતા વીજ લાઈનને અડી જતા ત્રણેયને શોર્ટ લાગ્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સર્વિસ સ્ટેશનના સંચાલક અને કર્મચારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દૂધસાગર રોડ પર હાઉસિંગ બોર્ડ હેદરીચોકમાં આવેલ ભારત સર્વિસ સ્ટેશનમાં ભાવેશ રમેશભાઈ લુદરીયા (ઉ.વ.30) જિલ્લાની સુમારભાઈ રાઉમા (ઉ.વ.26) અને રવિરાજ ગોરધનભાઈ સરવૈયા (ઉ.વ.25)ને વીજશોક લાગતાં બેશુધ્ધ હાલતમાં ઢળી પડયા હતાં. ત્રણેય યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલા ભાવેશભાઈ લુદરીયાનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા બન્ને યુવકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પૂછપરછમાં ભારત સર્વિસ સ્ટેશનના માલિક જિલ્લાની રાઉમા અને સર્વિસ સ્ટેશનમાં કામ કરતા રવિરાજ સરવૈયા સાતમ આઠમના આગામી તહેવારોને લઈને વાહનોની સર્વિસનું વધુ કામ હોય, સર્વિસ સ્ટેશનમાં કામ કરતા રવિરાજ સરવૈયાએ અન્ય સર્વિસ સ્ટેશનમાં કામ કરતા પોતાના બનેવી ભાવેશભાઈ લુદરીયા મદદ માટે કામ ઉપર બોલાવ્યા હતા રવિરાજ, ભાવેશ અને સર્વિસ સ્ટેશનના માલિક ફિરોજભાઈના ભાઈ જિલ્લાનીભાઈ મધરાત્રે સર્વિસનું કામ કરી રહ્યા હતા ત્યારે ભાવેશભાઈના હાથમાં રહેલ લોખંડનો સળીયો જીવતા વીજ વાયરને અડી જતા ત્રણેય ને કરંટ લાગ્યો હતો ,જેમાં ભાવેશભાઈનું મોત નીપજ્યું હતું. મૃતક ભાવેશભાઈ બે ભાઈમાં નાનો હતો અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે થોરાળા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.