ભાવનગરમાં વધુ 3 પોલીસકર્મી સસ્પેન્ડ, બે દિ’માં 10 વિકેટ ખડી
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેએ સતત બીજા દિવસે કડક કાર્યવાહીનો દોર જાળવી રાખ્યો છે. વધુ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં કુલ 10 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ભાવનગર પોલીસ બેડામાં ભારે ફફડાટ ફેલાયો છે. આજે સસ્પેન્ડ કરાયેલા 3 પોલીસકર્મીઓમાં બે મહિલા કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. વોન્ટેડ આરોપીને પોતાના ઘરમાં આશરો (શરણ) આપવાના ગંભીર આરોપસર મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા અને ઉષા જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાવનગરમાં છેલ્લા બે દિવસમાં કુલ 10 પોલીસકર્મીઓ સામે સસ્પેન્શનના પગલાં લેવાયા છે. ગઇકાલ અને આજના સસ્પેન્શનના પગલે ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT), પોલીસ હેડક્વાર્ટર, મોટર ટ્રાન્સપોર્ટ તેમજ જુદા-જુદા શહેરના પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 7 જેટલા પોલીસ કર્મચારીઓને એકી સાથે સસ્પેન્ડ કરાયા હતા.SP નિતેશ પાંડે દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓના આ અચાનક અને આકરા પગલાંથી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.