રાજકોટના 3 લાખ NFSA કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ એક કિલો મફત બાજરી મળશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને ગઈકાલે સામાન્ય બજેટ રજુ કર્યા બાદ આજે ગુજરાત સરકારના નાણામંત્રીએ પણ સામાન્ય બજેટ રજુ કર્યું છે. જેમાં કેન્દ્ર સરકારની જોગવાઈ મુજબ 80 કરોડ ગરીબોને પાંચ વર્ષ માટે રાશન મફત આપવાની વડાપ્રધાને ઘોષણા કરી છે ત્યારે બજેટને અનુલક્ષીને રાજાય સરકાર દ્વારા આ મહિનાથી જ રાજકોટ સહિત રાજ્યના તમામ કાર્ડધારકોને વ્યક્તિદીઠ એક કિલો મફત બાજરી આપવાની શરૂઆત કરી દીધી છે.
રાજકોટ શહેર જિલ્લામાં ત્રણ લાખથી વધુ એનએફએસએ કાર્ડધારકોને દર મહિને વડાપ્રધાનની યોજના હેઠળ મફતના રાશન આપવામાં આવી રહ્યું છે. જેમાં ઘઉં, ચોખા સહિતના ધાનનો સમાવેશ થાય છે ત્યારે રાજ્ય સરકારે તેમાં ઉમેરો કરીને આ મહિનાથી કાર્ડધારકોને વ્યક્તિદીઠ એક કિલો મફતમાં બાજરી આપવાની જાહેરાત કરી છે.
ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ લાખો કાર્ડધારકોને વ્યક્તિદીઠ એક કિલો બાજરી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેની સામે દર મહિને કાર્ડધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા મળતાં હતાં જેમાં કાપ મુકીને હવેથી મહિને વ્યક્તિદીઠ 2 કિલો ચોખા આપવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
વડાપ્રધાનની યોજના હેઠળ ગરીબોને રાહતના ભાવે તુવેરદાળ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં શરૂઆતના બે મહિના 50 ટકા તુવેરનો જથ્થો રાજ્ય સરકારે ફાળવ્યા બાદ છેલ્લા બે મહિનાથી રેશનીંગના વેપારીઓ પાસેથી એડવાન્સ પૈસા લઈ લીધા હોવા છતાં જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનાનો હજુ સુધી તુવેર દાળનો જથ્થો ફાળવવામાં આવ્યો નથી જેના કારણે ગરીબોની થાળીમાંથી દાળ ગાયબ થઈ ગઈ છે.