ગેરકાયદે ખાણમાં ગેસ ગળતરથી 3 મજૂરનાં મોત
મુળીના દેવપરા ગામની સીમમાં ખનીજ ચોરી માટે કરેલ ખાડાએ ત્રણના જીવ લીધા, પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી સહિતના તાલુકાઓમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરેલ ખાડાઓ પુરવાની તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. જેમાં તાજેતરમાં જ તંત્ર દ્વારા મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં પુરવામાં આવેલા એક ગેરકાયદેસર ખાડા પર કબ્જો જમાવી તેમાં પરપ્રાંતીય શ્રમિકો વડે ખોદકામ કરતી વખતે જીલેટીન વડે બ્લાસ્ટીંગ બાદ ગેસ ગળતરનો બનાવ બનતા 6 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને અસર પહોંચી હતી. જે પૈકી 3 શ્રમિકોનાં મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
સુરેન્દ્રનગર જીલ્લામાં ભુમાફીયાઓ દ્વારા મુળી-થાન સહિતના તાલુકાઓમાં ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરિયાદોને ધ્યાને લઈ છેલ્લા એક મહિનાથી જીલ્લા કલેકટરની સૂચનાને પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી પાસ પરમીટ વગર ચાલતા ખાડાઓ પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા જ મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં પુરવામાં આવેલા એક ગેરકાયદેસર ખાડા પર અમુક શખ્સો દ્વારા કબ્જો જમાવી તેનું ખોદકામ પરપ્રાંતિય શ્રમિકો પાસેથી કરાવવામાં આવી રહ્યું હતું.
જેમાં જીલેટીન વડે બ્લાસ્ટીંગ કર્યા બાદ તેના ગેસ ગળતરથી ખોદકામ કરી રહેલા અંદાજે 6 શ્રમિકોને અસર પહોંચી હતી. જેમાં છનુભાઇ રાવત, રામદેવસિંઘ રાવત અને રાજુભાઇ હરજીભાઇ નામના ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના ગેસ ગળતરથી મોત નિપજ્યા હતા. જેમના મૃતદેહને મુળી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 3 શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવને પગલે મુળી પોલીસ, ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, ડીવાયએસપી સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી. તેમજ ગણતરીના કલાકોમાં જે જગ્યાએ ગેરકાયદેસર ખાડાનું ખોદકામ પરપ્રાંતીય શ્રમિકો દ્વારા કરાવવામાં આવી રહ્યું હતું તે ખાડા પર ગેરકાયદેસર કબજો કરનાર બે શખ્શો રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને પોલીસે ઝડપી પાડયા હતા અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.