સાત વર્ષના દિવ્યાંગનું કફ જામી ગયા બાદ શ્ર્વાસ ચડતાં કરુણ મોત
રાજકોટ શહેરમાં આવેલા વિશ્વનગરમાં રહેતા પરિવારના સાત વર્ષના દિવ્યાંગનું કફ જામી ગયા બાદ શ્વાસ ચડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. માતા-પિતાના આધાર સ્થંભ અને બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિશ્વનગરમાં રહેતા પરિવારનો ધ્રુવ સંજયભાઈ પરમાર નામનો સાત વર્ષનો માસુમ બાળક પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં માસુમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધ્રુવ પરમાર માતા-પિતાને આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને એકની એક બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. ધ્રુવ પરમાર જન્મજાત ખોડખાંપણ ધરાવતો હતો. દિવ્યાંગ ધ્રુવ પરમારનું કફ જામી ગયા બાદ શ્વાસ ચડતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.