ધ્રોલનાં વાંકિયા ગામે ડૂબી જવાથી 3 બાળકોના મોત
ગરીબ ખેતમજૂર પરિવાર ઉપર વજ્રઘાત, અરેરાટીભરી ઘટના
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા નજીક આવેલા વાંકિયા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટીભરી ઘટના બની હતી. ગામમાં ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યા હતાં. રમતા-રમતા અચાનક બનેલી આ દુર્ઘટનાને પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
પ્રાથમિક રીતે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, વાંકિયા ગામની સીમમાં એક ખેતમજૂર પરિવારના ત્રણ બાળકો, જેમાં (1) વિશાલ, (2) ટીનુબેન અને (3) શકીનાના ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા હતાં. તેઓ ઘર નજીક રમી રહ્યા હતા. આ દરમિયાન ં તેઓ નજીકમાં આવેલા પાણી ભરેલા એક મોટા ખાડામાં પડી ગયા હતા. ખાડો ઊંડો હોવાથી ત્રણેય માસૂમો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ત્રણેય બાળકોને બહાર કાઢીને સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ત્રણેય બાળકોને તપાસીને મૃત જાહેર કરતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મૃતકોમાં બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે, જેમની અણધારી વિદાયથી પરિવારનો માળો વિખાઈ ગયો છે.