રાશનકાર્ડમાં 35 લાખ લોકોના EKYC પેન્ડિંગ, પુરવઠા ખાતા દ્વારા ખાસ ઝુંબેશ
ગુજરાત સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવવામાં આવતાં અને રાજકોટ જિલ્લામાં હજુ 35 લાખથી વધુ લોકોના ઈ -કેવાયસી બાકી હોવાથી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને દરરોજ બપોરે 3 થી સાંજના 6 વાગ્યા દરમિયાન ઈ-કેવાયસીની કામગીરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને વહેલામાં વહેલી તકે ઈ-કેવાયસી કરાવી લેવા પણ અપીલ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં કુલ 8,98,911 રાશનકાર્ડના 35,33,267 સભ્યોના ઈ-કેવાયસી કરાવવાના બાકી છે તેમાં પડધરીમાં 75,437, રાજકોટ શહેરમાં 2,33,000, લોધિકામાં 69,000, કોટડાસાંગાણીમાં 96,000, જસદણમાં 2,40,000, ગોંડલમાં 3.14 લાખ, જામકંડોરણામાં 67,500, ઉપલેટામાં 1.85 લાખ, ધોરાજીમાં 1.67 લાખ, જેતપુરમાં 2.45 લાખ, વિંછીયામાં 1.38 લાખ તેમજ પુરવઠા ખાતાની ઝોન-1 કચેરીમાં 4.74 લાખ, ઝોન-2માં 4.51 લાખ, ઝોન-3માં 3.76 લાખ અને ઝોન-4 3.97 લાખ લોકોના ઈ -કેવાયસી બાકી છે. આ તમામ લોકોના ઈ-કેવાયસી સરળતાથી થઈ શકે તે માટે દરેક ઝોનલ કચેરીમાં બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી ઈ કેવાયસીની ખાસ કામગીરી કરવાનું શરૂ કરાયું છે. રાજ્ય સરકારે અનાજ લેતા હોય કે ન લેતાં હોય તમામ રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવેલ છે અને રાશનકાર્ડમાં જેટલા વ્યક્તિના નામ હોય તે તમામના ફિંગરપ્રિન્ટ પણ ફરજિયાત બનાવેલ હોવાથી આ કામગીરી લાંબો સમય ચાલે તેમ હોય તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.