પૂરક પરીક્ષામાં ધો.10નું 28.29, ધો.12 સામાન્ય પ્ર.નું 49.26 અને સાયન્સનું 30.48 ટકા પરિણામ
પાસ થયેલા 8030 છાત્રોએ પણ વધુ માર્ક મેળવવા પરીક્ષા આપી હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતું. જેમાં ધોરણ 10માં 28.29 ટકા, ધો.12 સામાન્ય પ્રવાહમાં 49.26 ટકા અને ધો.12 સાયન્સનું 30.48 ટકા પરીણામ આવ્યુ હતું. આગામી દિવસોમાં પરીણામ વિતરણની તારીખો જાહેર કરાશે. છાત્રો હાલ ઓનલાઇન પોતાનું પરિણામ જોઇ શકે તેની વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે માર્કશીટ અને પ્રમાણપત્ર વિતરણની હવે પછી તારીખ જાહેર કરાશે. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યનાં 2.38 લાખ જેટલા વિદ્યાર્થીઓની ગત તા.24 જૂનથી તા.6 જુલાઈ દરમિયાન પૂરક પરીક્ષા લેવાઈ હતી. ધોરણ-10ની પરીક્ષા માટે કુલ 383 સ્કૂલોમાં વ્યવસ્થા ગોઠવાઈ હતી જ્યારે ધોરણ.12 માટે 270 સ્કૂલોમાં પરીક્ષા ગોઠવાઇ હતી. ધો-10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1,37,025 લાખ, ધો-12 સામાન્ય પ્રવાહમાં 56,685 અને ધો-12 સાયન્સમાં કુલ 34,920 વિદ્યાર્થી નોંધાયા હતા. ધો-10ની પરીક્ષા માટે 41 સેન્ટર, 383 સ્કૂલોમાં 3,704 વર્ગખંડો નક્કી કર્યા હતા.
ધો-12 સાયન્સમાં 34 સેન્ટર, 170 સ્કૂલોના 1720 વર્ગખંડો તેમજ સામાન્ય પ્રવાહમાં 100 સ્કૂલોના 875 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતુ. તા.24 જૂનથી તા.6 જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. અત્યાર સુધી પૂરક પરીક્ષા જુલાઈ માસમાં યોજાતી હતી, પરંતુ આ વખતે જૂનમાં જ પરીક્ષા લેવામાં આવી હતી. આ ઉપરાંત ધોરણ-12 સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લેવાતા 8,030 પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ સિવાય ધોરણ-10માં 3 વિષયમાં નાપાસ થયેલા અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પણ આ વખતે પ્રથમ વખત પૂરક પરીક્ષા લેવામાં આવી છે.