ત્રણ માસમાં 2469 નવા બિલ્ડિંગ પ્લાન મુકાયા: 512 અટક્યા
ટીપી વિભાગના વિસર્જન બાદ કામગીરી ખોરવાતા બિલ્ડર લોબીમાં દેકારો, ફ્લાવર બેડ સહિતના મુદ્દે મંજૂરી પ્રક્રિયામાં મુશ્કેલી થતી હોવાની ચર્ચા
બાંધકામક્ષેત્રમાં મંદીની વાતો વચ્ચે પણ શહેરમાં નવા બિલ્ડીંગો અને અન્ય પ્રોજેક્ટો માટે બિલ્ડીંગ પ્લાન મુકવાની ઝડપ ઘટી નથી. છેલ્લા ત્રણ માસ દરમિયાન મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાં 2496 નવા બિલ્ડીંગ પ્લાન મુકવામાં આવ્યા છે. 1927 મંજુર કરી 512 પેન્ડીંગના નામે મંજુરીની વિચારણા અંગે પડતા મુકી દેવામાં આવ્યા છે. જેનું કારણ ફ્લાવર બેગ તેમજ એફએસઆઈ મુદ્દે નવા નિમણુંક પામેલા અધિકારીઓને જાણકારી ન હોવાથી અટક્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ટાઉન પ્લાનીંગ વિભાગના વિસર્જનની કામગીરી કર્યા બાદ ત્રણેય ઝોનમાંથી નવા બિલ્ડીંગ પ્લાન અને બાંધકામ પરમીશન મંજુરીની કાર્યવાહી ખોરંભે ચડી હોવાનું બિલ્ડરો કહી રહ્યા છે.
શહેરમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ નવા બિલ્ડીંગ પ્લાન તેમજ બાંધકામ પરમીશન અંતર્ગત નિયમોની કડક અમલવારી શરૂ કરવામાં આવી હતી. ગેમઝોન દુર્ઘટનામાં પણ ટાઉન પ્લાનીંગ વિભાગની બેદરકારી બહાર આવી હતી તેમજ ટીપી વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનું ખુલવા પામેલ જેના લીધે એ સમયે ત્રણય ઝોનમાં ટાઉન પ્લાનીંગ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર એ.આઈ. સહિતના પુરા સ્ટાફની બદલી કરવામાં આવી હતી. ત્રણેય ઝોનમાં એક એટીપીને ત્રણ વોર્ડ સોંપવામાં આવેલ હતાં. જેના લીધો 18 વોર્ડ માટે 6 એટીપી કાર્યરત હતાં. જે તમામની અન્ય વિભાગમાં બદલી કરી નવા સ્ટાફને ટાઉન પ્લાનીંગ વિભાગમાં બેસાડવામાં આવ્યો છે. તેવી જ રીતે ટાઉન પ્લાનીંગ વિભાગની ફાઈનલ મંજુરી આપવીની તમામ સત્તાઓ સીટી ઈજનેરને સુપ્રત કરાતા છેલ્લા ઘણા સમયથી ટીપી વિભાગની તમામ પ્રકારની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાની ફરિયાદ બિલ્ડર એસોસીએશન દદ્વારા ગાંધીનગર સુધી કરી હતી. છતાં આજ સુધી ગાડી પાટે ન ચડી હોવાનું જાણવા મળેલ છે.
શહેરના નવા વિસ્તારોમાં હાલ અનેક હાઈરાઈઝ બિલ્ડીંગો તૈયાર કરવા માટે બિલ્ડરો દ્વારા બિલ્ડીંગ પ્લાન ઝોનવાઈઝ મુકવામાં આવી રહ્યા છે. છેલ્લા 90 દિવસમાં સેન્ટ્રલ, ઈસ્ટ અને સૌથી વધુ વેસ્ટ ઝોનના વિસ્તારમાં કુલ 2469 નવા બિલ્ડીંગ પ્લાન મંજુરી અર્થે મુકવામાં આવ્યા હતાં. સ્થળ તપાસ અને ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા મુકાયેલા પ્લાન પૈકી 1927ને મંજુરી કરવામાં આવ્યા છ ે. જ્યારે બાકીના 512 પેન્ડીંગ રાખ્યા હોવાનું ટીપી વિભાગ જણાવી રહ્યું છે. છતાં એફએસઆઈ તેમજ ફ્લાવર બેગ સહિતના મુદ્દે નવા અધિકારીઓ પાસે નિયમ મુજબની જાણકારી ન હોય અમુક શંકાસ્પદ બિલ્ડીંગ પ્લાન પેન્ડીંગ રાખી દેવામાં આવ્યા છે. જેના લીધે બિલ્ડર લોબીમાં ફરી વખત નારાજગી જોવા મળી રહી છે. ટીપી વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ હાલ ત્રણેય ઝોનના ટીપી વિભાગમાં રેગ્યુલર કામગીરી ચાલી રહી છે. ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન મુકવાના હોય તેમજ આ મુદ્દે ફાયર વિભાગની પણ મંજુરી મેળવવાની હોવાથી અમુક પ્લાન ફાયર વિભાગના કારણે અટકી ગયા છે. તેમ જણાવ્યું હતું.
બીયુ સર્ટીની 435 શંકાસ્પદ અરજી નામંજૂર
મહાનગરપાલિકાએ બાંધકામ પરમીશન એટલે કે, બીયુ સર્ટી અંતર્ગત છેલ્લા એક વર્ષથી કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ખાસ કરીને ફાયર વિભાગના એસઓપી મુજબ બાંધકામ તૈયાર કરવામાં આવ્યું હોય તેમજ ઈમ્પેક્ટ ફી હેઠળ વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોય ત્યારે બીયુ સર્ટી આપવામાં આવી રહ્યું છે. પરંતુ ફાયર અને ઈમ્પેક્ટ ફી હેઠળ આવતા નિયમોની તમામ પ્રકારની અમલવારી ન થઈ શકતી હોય છતાં બાંધકામ પરમીશન માટે અરજી કરવામાં આવી હોય તેવી ત્રણ માસમાં 1600 અરજીઓ ટાઉન પ્લાનીંગ વિભાગમાં આવી છે. જે પૈકી 1165 અરજી મંજુર કરી તમામ બાંધકામોને બીયુ સર્ટી ફાળવવામાં આવ્યા છે. જ્યારે નિયમોનું ઉલંઘન થયું હોય તેવી 435 શંકાસ્પદ અરજી પેન્ડીંગના બહાને નામંજુર કરવામાં આવી હોવાનું ટીપી વિભાગમાંથી જાણવા મળેલ છે.