For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા જિલ્લામાં મોસમનો 244 ટકા વરસાદ: સૌથી વધુ ખંભાળિયામાં 86 ઈંચ

11:33 AM Aug 29, 2024 IST | admin
દ્વારકા જિલ્લામાં મોસમનો 244 ટકા વરસાદ  સૌથી વધુ ખંભાળિયામાં 86 ઈંચ

ચાર દિવસમાં ખંભાળિયામાં 38, ભાણવડમાં 26, કલ્યાણપુરમાં 25 અને દ્વારકામાં 23 ઈંચ વરસાદ ખાબક્યો: ઠેર ઠેર ખાનાખરાબીના દ્રશ્યો સર્જાયા : વરસાદી વિરામની પ્રાર્થના કરતા નગરજનો

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ અવિરત મુકામ રાખીને જાણે પ્રકોપ પ્રદર્શિત કરી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. છેલ્લા ચાર દિવસના સમયગાળા દરમિયાન પવન અને વાઝડી સાથે ખંભાળિયા તાલુકામાં 38, ભાણવડ તાલુકામાં 26, કલ્યાણપુર તાલુકામાં 25 અને દ્વારકા તાલુકામાં 23 ઈંચ વરસાદ વરસી જતા સાર્વત્રિક હાલાકીનો માહોલ સર્જાઈ ગયો છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે સૌથી વધુ દ્વારકા તાલુકામાં મોસમનો કુલ 355 ટકા સહિત જિલ્લામાં કુલ સરેરાશ 244 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેથી હવે જિલ્લાની જનતા મેઘરાજાને ખમૈયા કરે તેવી પ્રાર્થના કરે છે.

જન્માષ્ટમી પર્વના પ્રારંભથી જ મેઘરાજાએ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકામ આદરી અને રવિવારથી આજે ગુરુવારે બપોર સુધી ધોધમાર વરસાદ વરસાવ્યો છે. જેમાં રવિવારે ખંભાળિયા તાલુકામાં 38 મી.મી. ( દોઢ ઈંચ) કલ્યાણપુરમાં 3, ભાણવડ તાલુકામાં 13 મી.મી. (અડધો ઈંચ) બાદ સોમવારે દ્વારકામાં 65 મી.મી. (અઢી ઈંચ), ખંભાળિયામાં 226 મી.મી. (9 ઈંચ), કલ્યાણપુર તાલુકામાં 79 મી.મી. (3 ઈંચ) અને ભાણવડ તાલુકામાં 65 મી.મી. (અઢી ઈંચ) વરસાદ વરસાવી દીધો હતો. આ પછી પણ મંગળવારે ભારે પવન સાથે વરસેલા વરસાદમાં દ્વારકામાં 251 મી.મી. (10 ઈંચ), ખંભાળિયામાં 454 મી.મી (22 ઈંચ), કલ્યાણપુરમાં 260 મી.મી. (સાડા 10 ઈંચ) અને ભાણવડમાં 268 મી.મી. (સાડા દસ ઈંચ) વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાએ ગઈકાલે બુધવારે પણ પોતાની ધમાકેદાર બેટિંગ જારી રાખી અને બુધવારે દ્વારકામાં 215 મી.મી. (સાડા 8 ઈંચ), ખંભાળિયામાં 225 મી.મી. (9 ઈંચ), કલ્યાણપુરમાં 263 મી.મી. (સાડા 10 ઈંચ) અને ભાણવડમાં 295 મી.મી. (12 ઈંચ) વરસાદ પછી આજે સવારે પણ દ્વારકામાં 20 મી.મી., ખંભાળિયામાં 1, કલ્યાણપુરમાં 6 અને ભાણવડમાં 4 મીલીમીટર વરસાદ વરસી ગયો છે.

Advertisement

આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર દિવસના સમયગાળા દરમિયાન સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 38, ઈંચ, ભાણવડમાં 26, કલ્યાણપુરમાં 25 અને દ્વારકામાં 23 ઈંચ તોફાની વરસાદ વરસી ચુક્યો છે. આ પરિસ્થિતિ આજે સવારે પણ જારી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ દ્વારકામાં 81 ઈંચ (2017 મી.મી.) સાથે 355 ટકા, ખંભાળિયામાં ઈંચ (2126 મી.મી.) સાથે 242 ટકા, કલ્યાણપુર તાલુકામાં 78 ઈંચ (1943 મી.મી.) સાથે 218 ટકા અને ભાણવડમાં 57 ઈંચ (1420 મી.મી.) સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ 190 ટકા વરસી ગયો છે. આમ, જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 244 ટકા વરસી જતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં આવેલા જળસ્ત્રોતોમાં વિપુલ માત્રામાં પાણી ઓવરફ્લો જઈ રહ્યા છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ગોઠણ બુડ પાણી ભરાયા હોવાથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.
ખંભાળિયામાં પૂરની પરિસ્થિતિ અંગે માહિતી મેળવતા ખંભાળિયાના વતની સાંસદ પરિમલ નથવાણી -
ખંભાળિયા તથા આસપાસમાં વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભારે હાલાકીભરી પરિસ્થિતિ સર્જાઈ હોવાથી ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ અહીંના જિલ્લા કલેકટર વિગેરે સાથે સંપર્કમાં રહી અને તમામ જરૂૂરી મદદ તેમજ કામગીરી કરવામાં આવે તે માટેના પ્રયાસો કર્યા હતા.
રામનાથ પુલ પરથી ઇતિહાસમાં પ્રથમ વખત પાણી વહ્યા -
ખંભાળિયાના પાદરમાં આવેલા રામનાથ મંદિર નજીકના રામનાથ બ્રિજ પરથી ગઈકાલે ઇતિહાસમાં પ્રથમ વખત ઘોડાપુર જેવા પાણી વહ્યા હતા. ઘી ડેમ ઓવરફ્લો થતાં તેની વિશાળ જળરાશીના કારણે ઘી નદીમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી. જેના પરિણામે રામનાથ બ્રિજ પરથી પાણી વહેવા લાગતા આવી ઘટના પ્રથમ વખત બની હતી.

આ પછી આ તમામ પાણી આગળ ખામનાથ મહાદેવ મંદિર નજીકના ચેકડેમ પરથી ધોધમાર વહેવા લાગતા નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

ઠેર ઠેર સેવા કાર્યો હાથ ધરાયા-
ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી પવન સાથેના ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની રહ્યું હતું. જો કે આજરોજ ગુરુવારે સવારે કેટલીક બજારો ખુલી હતી અને જનજીવન ધબકતું થતાં ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી હોવાનું જોવા મળ્યું હતું. આ અતિવૃષ્ટિના કારણે અનેક ઝૂંપડપટ્ટી વિસ્તારો તેમજ ગરીબ વિસ્તારના લોકો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા તેની વ્હારે સેવાભાવી સંગઠનો તેમજ કાર્યકરો પહોંચી ગયા હતા અને જરૂૂરિયાત મુજબ પાણી તેમજ ખોરાક મળે તે માટે વરસતા વરસાદે પણ વ્યવસ્થા કરી હતી.

આટલું જ નહીં, અહીંના જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાની સીધી દેખરેખ હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા પણ ઠેર ઠેર રેસ્ક્યુ તેમજ વિવિધ સેવાકીય કાર્યો કરાયા હતા.

પીજીવીસીએલ તંત્રની કાબીલે દાદ કામગીરી -
છેલ્લા ચાર દિવસથી અવિરત રીતે તોફાની પવન તેમજ મુશળધાર વરસાદના કારણે ખંભાળિયામાં ઠેર ઠેર વૃક્ષો પડવા તેમજ થાંભલા પડવાના બનાવ બન્યા હતા. આ પરિસ્થિતિમાં વીજ પુરવઠો પણ ખોવાઈ જવાના બનાવો બન્યા હતા. તેમ છતાં પણ પીજીવીસીએલ ઈજનેર તેમજ તેમની ટીમ દ્વારા અવિરત સક્રિય બની અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. થોડા સમય પૂર્વે ફૂંકાયેલા બીપરજોય જેવા ભયંકર વાવાઝોડાની પરિસ્થિતિ કરતા પણ હાલ કઠિન પરિસ્થિતિમાં પીજીવીસીએલ તંત્રની કામગીરી વખાણવા લાયક બની રહી હતી.

ઇન્ટરનેટ, વોઇસ કોલિંગ સેવાઓ ઠપ્પ: લોકોમાં રોષ સાથે હાલાકી -
ભારે પવન તેમજ વરસાદના પગલે છેલ્લા બે દિવસ દરમિયાન જીઓ, એરટેલ, બી.એસ.એન.એલ. જેવી મોબાઈલ કંપનીની વોઇસ કોલિંગ તેમજ ઇન્ટરનેટ સુવિધાઓ ખોડંગાઈ ગઈ હતી. જેના કારણે લોકોની હાલતી બેવડાઈ હતી. આ વચ્ચે બ્રોડબેન્ડ, ઇન્ટરનેટ બંધ રહેતા બેન્કિંગ સેવાઓ પણ ખોવાઈ જતા વેપારીઓ-નગરનોને બેન્કિંગ વ્યવહાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દ્વારકા જિલ્લાના ધુમથર ગામેથી 4 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અહીંના જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના લીધે પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામેથી 4 વ્યક્તિઓને કોસ્ટ ગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ કોમ્યુનિકેશન કરી સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement