અલિયાબાડામાં 22 વર્ષીય પશુ ચિકિત્સકનો ભોગ લેતો હાર્ટએટેક
જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા બાવીસ વર્ષીય પશુ ચિકિત્સક કે જેઓનું ગઈકાલે એકાએક હૃદય થંભી જતાં ભારે ગમગીની છવાઈ છે. એક વાડીમાં ભેંસની સારવાર માટે ગયા હતા, દરમિયાન એકાએક ચક્કર આવ્યા પછી બેશુદ્ધ બનીને ઢળી પડ્યા હતાઝ અને હોસ્પિટલમાં લઈ જવાતાં તેઓનું હૃદય બંધ પડી ગયું હોવાનું જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના અલિયા ગામમાં જૈન દેરાસર સામે રહેતા બાવીસ વર્ષની વયના પશુ ચિકિત્સક રિધમભાઈ રમેશભાઈ કાસુન્દ્રા કે જે ગઈકાલે અલીયા ગામના રવિભાઈ કાસુન્દ્રા ની વાડીમાં એક ભેંસની સારવાર કરવા માટે ગયા હતા, જ્યાં તેઓને અચાનક ચક્કર આવતાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. તેથી તેઓને તાબડતોબ જાબુંડા ગામની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું, જેથી ભારે ગમગીની છવાઈ હતી.
આ બનાવ અંગે મૃતક પશુ ચિકિત્સક ના પિતા રમેશભાઈ મોહનભાઈ કાસુન્દ્રા એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ જે જાડેજા બનાવના સ્થળે તેમજ જાંબુડા ની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પશુ ચીકિત્સક ના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈને નાના એવા અલિયા ગામમાં ભારે ગમગીની સાથે સોંપો પડી ગયો છે.