સમૂહલગ્નના આયોજકો નાસી છૂટતા 22 જાન લીલાતોરણે પરત ફરી, 6ના પોલીસે ઘડિયા લગ્ન કરાવ્યા
રાજકોટના માધાપર ચોકડી પાસે ભારે ખળભળાટ મચાવતી ઘટના
લાખો રૂપિયા ઉઘરાવી મુખ્ય આયોજક ભાજપનો કાર્યકર ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં દાખલ થયો અને ત્યાંથી ભાગી છૂટ્યો, બાકીના આયોજકો ઘરે તાળા મારી ગાયબ
માંડવિયા-જાનૈયા મંડપમાં જ ચોધાર આંસુએ રડ્યા, ક્ધયાઓ ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી
સૌરાષ્ટ્રભરમાંથી ગરીબ પરિવારને મોટા કરિયાવરની લાલચ આપી શિકાર બનાવ્યા
અમુક અનાથ દીકરીઓ પણ સમૂહ લગ્નમાં પરણવા આવી હતી
રાજકોટ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડી નજીક ઋષિવંશી સમાજ સેવા સંઘ રાજકોટના નામે 28 યુગલના સમુહ લગ્નના નામે છેતરપીંડી કરી આયોજકો લાખો રૂપિયા ઉઘરાવી નાસી છુટતા ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારોમાંથી પરણવા આવેલી 28 જેટલી જાન પૈકી 22 જાન લીલા તોરણે પરત ફરી હતી જ્યારે બાકીના 6 યુગલના પોલીસે ઘડિયા લગ્ન કરાવી મામલો સંભાળ્યો હતો. આ ઘટનાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
સવારે 4 વાગ્યાથી અલગ અલગ જાનૈયા અને માંડવિયા સમુહ લગ્ન સ્થળે આવી પહોંચ્યા હતાં. પરંતુ કલાકો સુધી રાહ જોયા બાદ એક પણ આયોજક નહીં ફરકતા વર ક્ધયા પક્ષના લોકોને શંકા જતાં આયોજકોના સંપર્ક શરૂ કર્યા હતાં પરંતુ તમામ આયોજકોના મોબાઈલ ફોન બંધ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને સમુહ લગ્નના નામે છેતરપીંડી થયાનું જણાતા લગ્ન સ્થળે ભારે ઓહા-દેકારો મચી જવા પામ્યો હતો અને વર ક્ધયા પક્ષના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં. સ્થળ ઉપર પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી બાળકો-મહિલાઓની હાલત કફોડી બની ગઈ હતી. લગ્ન સ્થળે માત્ર સમિયાણો જોવા મળ્યો હતો જ્યારે અન્યકોઈ વ્યવસ્થા ન હોવાથી ક્ધયાઓ અને મહિલાઓ રોકકળ કરવા સાથે આયોજકોને શ્રાપ દેવા લાગી હતી.
આ ઘટના અંગે પોલીસ તથા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે અચાનક જ લગ્ન રદ થયાની જાણ થતાં ક્ધયાઓ ધ્રુસકે ધ્રુસ્કે રળતી જોવા મળી હતી અને વર-ક્ધયા પક્ષના પરિવારજનો પણ ચોધાર આંસુએ રોતા જોવા મળ્યા હતાં.
સૌરાષ્ટ્રભરમાંથી 28 જેટલા પરિવારો ભારે ઉમંગ અને આશા સાથે સમુહ લગ્નમાં આવ્યા હતાં પરંતુ સ્થળ ઉપર આવ્યા બાદ લગ્નનો આનંદ, ઘેરી ચીંતા અને નિરાશામાં ફેરવાઈ ગયો હતો. અમુક તો માતા-પિતા વગરની અનાથ દિકરીઓ પણ સમુહ લગ્નમાં લગ્ન ગ્રંથીથી જોડાવા આવી હતી. તેના સપના આયોજકોએ ધુળધાણી કરી નાખ્યા હતાં.
સવારે સાતેક વાગ્યે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં અવી હતી. પરંતુ પોલીસ મોડે મોડે દસેક વાગ્યે સ્થળ પર પહોંચી હતી ત્યાં સુધીમાં 22 જાન લીલા તોરણે પરત ફરી ગઈ હતી. જતાં જતાં જાનૈયા અને માંડવિયા રળી પડ્યા હતા ફેરા ફર્યા વગર મીંઢોળ ક્યાં છોડવા તે અંગે વલોપાત ઠાલવતા જોવા મળ્યા હતાં. અનેક માણસો વચ્ચે પોતાની આબરુ ગયાની તેમજ દિકરીઓની જીંદગી આયોજકોએ બરબાદ કરી નાખ્યાનો આક્રોશ ઠાલવ્યો હતો.
મળતી માહિતી મુજબ આ સમુહ લગ્નના આયોજક ઋષિવંશ સમાજ સેવા સંઘના ચંદ્રેશ જગદીશભાઈ છાત્રોલા, દિલીપ પ્રવિણભાઈ ગોહિલ, દિપક હિરાણી, હાર્દિક શિશાંગિયા, મનીષ વિઠલાપરા તથા દિલીપ વરસડાના નામો કંકોત્રીમાં છાપવામાં આવ્યા છે. આયોજકો પૈકીનો ચંદ્રેશ છત્રોલા ભાજપનો કાર્યકર હોવાનું પણ બહાર આવ્યું છે. આ ટોળકીએ વર અને ક્ધયા બન્ને પક્ષ પાસેથી સમુહ લગ્નની ફી પેટે રૂા. 20-20 હજાર ઉઘરાવ્યા હતાં તેમજ અલગ અલગ દાતાઓ પાસેથી 35 લાખ રૂપિયાનો ફાળો પણ ઉઘરાવ્યો હોવાનું કંકોત્રીમાં જણાવાયું છે.
આ ટોળકીએ દિકરીઓને ફર્નિચરમાં ઘરવખરીની કુલ 208 આઈટમો આપવાની જાહેરાત કરી હોવાથી ગરીબ પરિવારના લોકો સમુહ લગ્ન તરફ આકર્ષાયા હતાં અને 20-20 હજાર ફી ભરીને સમુહ લગ્નમાં જોડાયા હતાં. લોકોને શીશામાં ઉતારવા માટે સમુહ લગ્નના અતિથિ વિશેષ મહાનુભાવોમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડિયા સહિતના ભાજપના નેતાઓના નામ પણ છાપ્યા છે. આ ઉપરાંત સમુહ લગ્નના દાતાઓની તથા આમંત્રીતોનું પણ લાંબુલચક લીસ્ટ છાપ્યું છે.
જો કે, લગ્ન યોજાય તે પહેલા જ ટોળકી નાશી છુટતા સમુહ લગ્નમાં આવેલા વર-ક્ધયા સહિતના લોકોનો ભારે ફજેતો થયો હતો અને આ મામલે ભારે હોબાળો મચી જવા પામેલ છે.
કરિયાવર સાથે દીકરી સાસરે પહોંચે તેવું આયોજન કરો: ગૃહમંત્રીની સૂચના
રાજકોટ શહેરમા ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આજે સર્વજ્ઞાતિ સમુહ લગ્નનાં આયોજન કરવામા આવ્યુ હતુ પરંતુ સમુહ લગ્નનુ આયોજન કરનારા આયોજકો ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ અને દિપક હિરાણી રાત સુધી હાજર રહયા બાદ સવારે અચાનક ગાયબ થઇ જતા ર8 યુગલ અને જાનૈયાઓ ભારે ચિંતામા મુકાઇ ગયા હતા અને ત્યા હાજર લોકોએ દેકારો મચાવ્યો હતો. ત્યારે આ ઘટનાને રાજય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ધ્યાનમા લીધી હતી અને રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા તેમજ ભાજપ આગેવાનો સાથે વાતચીત કરી અને આદેશ આપતા જણાવ્યુ કે સમુહ લગ્નમા દિકરીઓ કરીયાવર સાથે સાસરે પહોંચે તેવુ આયોજન કરો ત્યારબાદ અમુક દાતાઓ દ્વારા કરીયાવર આપવાની જાહેરાત કરી તમામ દિકરીઓને કરીયાવર આપ્યો હતો.
મેયર સવારે મંડપમાં પહોંચતા જ ટોળાંએ કારને ઘેરી લીધી
ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આયોજીત સમુહ લગ્નોત્સવના આયોજકો નાણા ઉસેડી ભાગી જતાં આયોજકોની ચાલબાજીથી અજાણ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા સવારે સમુહ લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતાં પરંતુ સ્થળ પર અલગ જ નજારો જોવા મળ્યો હતો. આયોજકો ગુમ થઈ ગયા હોવાથી ઉશ્કેરાયેલા વર-ક્ધયા પક્ષના લોકોએ મેયરની કારને ઘેરી લીધી હતી અને પોતાની સાથે છેતરપીંડી થયાની રજૂઆત કરી હતી. મેયરે આયોજકોને ફોન કરતા તમામ આયોજકોના ફોન સ્વીચોફ મળ્યા હતા પરિણામે મેયર અધિકારીઓને આ અંગે જાણ કરી ત્યાંથી નિકળી ગયા હતાં.
દાતાઓ લગ્ન સ્થળે દોડી ગયા, પોતાની રીતે કરિયાવરનું વિતરણ
સમુહ લગ્નમાં આયોજકો નાશી છૂટ્યાની જાણ થતાં કર્યાવર દાનમાં આપનાર અલગ અલગ દાતાઓ પણ લગ્ન સ્થળે દોડી આવ્યા હતા અને આયોજકોનો સંપર્ક સાધવા પ્રયાસો કર્યા હતાં. પરંતુ આયોજકોનો સંપર્ક થઈ નહીં શકતા દાતાઓએ પોતાનો કરિયાવર પોતાની હાથે જ જે ક્ધયાઓ હાજર હતી તેમને વિતરણ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે, ઘણી ક્ધયાઓ રવાના થઈ ગઈ હોવાથી અમુક દાતાઓને કરિયાવર પણ પરત લઈ જવો પડ્યો હતો.
રૂા. 35 લાખના ફાળાનું લિસ્ટ, એક જ દાતાએ 15 લાખ આપ્યા
સમુહ લગ્નની આયોજક ટોળકીએ વર-ક્ધયા પક્ષના વાલીઓ પાસેથી રૂા. 20-20 હજાર ઉઘરાવવા ઉપરાંત લગભગ 54 જેટલા લોકો પાસેથી રૂા. 500થી માંડી 15.51 લાખ સુધીનો ફાળો પણ ઉઘરાવી લીધો હતો. કંકોત્રીમાં છાપેલા દાતાઓના લીસ્ટ મુજબ આ ફાળાની રકમ પણ રૂા. 35 લાખ થવા જાય છે આ સિવાય વર-ક્ધયા પક્ષના પરિવારજનો પાસેથી રૂા. 5.60 લાખ ફી પેટે ઉઘરાવ્યા હતાં. આમ આયોજકો લાખો રૂપિયાનું ઉઘરાણું કરી નાસી છુટ્યા હતાં.
પોલીસને સવારે 7 વાગ્યે જાણ કરી અને 10 વાગ્યે પહોંચી, પછી મોરચો સંભાળ્યો
સમુહ લગ્નના આયોજકો નાશી છૂટ્યાની અને 28 જાન રઝળી પડ્યાની વર-ક્ધયાપક્ષના લોકોએ સવારે સાતેક વાગ્યે પોલીસને જાણ કરી હતી અને અવાર નવાર ફોન પણ કર્યા હતાં આમ છતાં પોલીસ મોડે સુધી ફરકી ન હતી અને સવારે 10 વાગ્યે પોલીસ કાફલો પહોંચતા સમગ્ર સ્થિતિ બેકાબુ જણાઈ હતી. પરિણામે પોલીસે પરિસ્થિતિ પામી મોરચો સંભાળી લીધો હતો અને જેટલા વર-ક્ધયા સ્થળ પર હાજર હોય તેના તાબળતોબ લગ્ન કરાવવાનું બીડુ ઝડપી છ યુગલના લગ્ન કરાવ્યા હતાં.
208 ચીજોનો કરિયાવર આપવાના નામે વર-ક્ધયા પાસેથી 20-20 હજાર ઉઘરાવ્યા
સમુહ લગ્નના આયોજકોએ ગરીબ પરિવારોને આકર્ષવા માટે સમુહ લગ્નની આકર્ષક કંકોત્રી છપાવવા સાથે કરિયાવરમાં 208 ચીજો આપવાનું પણ કંકોત્રીમાં લખ્યું હતું અને 208 ચીજોનું લીસ્ટ પણ છાપ્યું હતું. પરિણામે અગાઉ 11 સમુહ લગ્નનું આયોજન હતુ તેની જગ્યાએ ડિમાન્ડ વધી જતાં 28 વર-ક્ધયાનું લીસ્ટ તૈયાર કર્યુ હતું અને તમામ પાસેથી 20-20 હજાર રૂપિયા ઉઘાવી લીધા હતાં.
સાંજે સંતવાણીનો કાર્યક્રમ રદ, સવારે ગીત ગાવા વાળા કલાકારો ગુમ
સમુહ લગ્નના આયોજકોએ રોલા-સોલા પાડવા માટે લગ્નની આગલી રાત્રે એટલે કે, ગઈકાલે સાંજે સંતવાણીનો પણ આયોજન કંકોત્રીમાં બતાવ્યું હતું. તા. 21ની રાત્રે 10 વાગ્યે પરસોતમપરી બાપુ, શૈલેષ મહારાજ, વિજયભાઈ ગઢવી તથા મુકેશભાઈ બારોટના સંતવાણીના કાર્યક્રમનું આયોજન હોવાનું છાપ્યું હતું પરંતુ ગઈકાલે સાંજે કોઈપણ જાતનો કાર્યક્રમ યોજાયો ન હતો. આ ઉપરાંત સમુહ લગ્નોત્સવમાં લગ્નગીતોમાં હર્ષાબેન બારોટ, બિંદુબેન રામાનુજ અને રાહુલભાઈ બારોટ લગ્નગીતોની સુરાવલી રેલાવશે તેવું લખ્યું હતું જો કે, ગીતગાવા વાળા કલાકારો પણ સવારે જોવા મળ્યા ન હતાં.
‘રાજકોટ પોલીસ જીંદાબાદ’ : લગ્નવિધિ પૂરી થતા લોકોએ તાળીઓ પાડી નારા લગાવ્યા હતા
રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘે દ્વારા સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આજે સવારે 28 જોડા પરિવાર સાથે પહોંચતા જ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે, ત્યાં કોઈ આયોજકો કે લગ્નના ફેરા માટે બ્રાહ્મણ હતા જ નહીં. હોબાળો થતાં જાણવા મળ્યું કે આયોજકો જ ફરાર થઈ ગયા છે. આવામાં ભારે હોબાળો થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આખરે રાજકોટ પોલીસ વર-વધુની વ્હારે આવી છે અને પોલીસે માનવતા વાદી વલણ અપનાવી લગ્નની વિધી સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી. રાજકોટ પોલીસનાં ડીસીપી ઝોન 1 સજજનસિંહ પરમાર, એસીપી રાધીકા ભારાઇ અને પ્રનગર પોલીસ મથકના પીઆઇ વસાવા તેમજ પીઆઇ ડોબરીયા અને સ્ટાફ દ્વારા યુગલોનાં લગ્ન કરાવી નવ દંપતિને આશિર્વાદ આપતા ત્યા હાજર લોકોએ તાડીઓ પાડી રાજકોટ પોલીસ જીંદાબાદના નારા લગાવ્યા હતા.
દોઢ વર્ષ પહેલાં પણ સમૂહલગ્નનું આયોજન કરી કરિયાવર આપ્યો ન હતો !
આજે સવારે એડીબી હોટલની સામે આવેલા મેદાનમા ર8 નવ યુગલનાં સમુહ લગ્નનુ આયોજન કરવામા આવ્યુ ન હતુ. આ ઘટનામા અમદાવાદ બાજુ રહેતા જાનૈયાઓની જાન વ્હેલી સવારે પાંચ વાગ્યે સ્થળ પર પહોંચી ગઇ હતી પરંતુ લગ્નનુ આયોજન થયુ છે ત્યા કોઇ આયોજક હાજર હતુ નહી અને કોઇ સુવિધાઓ પણ હતી નહી. ત્યારબાદ સવારે 9 વાગ્યે ર8 નવ યુગલોના સગા સબંધી અને લોકોએ આયોજકો હાજર ન થતા હોબાળો મચાવ્યો હતો અને ત્યા પોલીસ પહોંચી ગઇ હતી. આ સમયે ત્યા હાજર નરેશ ચૌહાણ નામના વ્યકિતએ આક્ષેપ સાથે કહયુ હતુ કે સમુહ લગ્નના આયોજકોએ દોઢ વર્ષ પહેલા પણ આવુ આયોજન કર્યુ હતુ અને એ સમયે લોકોએ 11 - 11 હજાર ફી ભરાવી હતી પરંતુ દુબઇ રહેતા દાતા આવી ન શકતા અચાનક આયોજન કેન્સલ કરી નાખ્યુ હતુ.
લગ્નમાં પાનેતર પહેરીને નહીં આવો તો પ000નો દંડ થશે
આજે સવારે સમુહ લગ્નનાં આયોજનમા જાનૈયાઓએ હોબાળો મચાવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી માનવતાવાદી વલણ દાખવી અને લગ્ન કરાવવાની જવાબદારી લીધી હતી આ ઘટનામા પોલીસે તમામ સુવીધાઓ પુરી પાડી અને નવ યુગલના લગ્ન કરાવ્યા હતા. તેમજ જાનમા આવેલા યુવતી પક્ષનાં લોકોએ કહયુ હતુ કે આયોજકોએ થોડા દિવસ પહેલા ફોન કરી કહયુ હતુ કે આયોજકો તરફથી મળેલુ પાનેતર પહેરીને નહી આવો તો તમને પ000 નો દંડ થાશે.