નિવૃત્ત ટીડીઓના પુત્રની ક્રિપ્ટો કરન્સીના બહાને ચાર લોકો સાથે 22.90 લાખની ઠગાઇ
મહુવામાં રહેતા એક યુવકને ક્રિપ્ટો કરન્સીમાં સારા વળતરની લાલચ આપી સાવરકુંડલા અને મહુવાના 4 લોકોએ 22.90 લાખની છેતરપીંડી આચરી હતી. મહુવામાં સ્વામિનારાયણ મંદિર સામે રહેતા દેવાંગ ગીરીશભાઈ સાંગાણી નામના યુવાને આ બારામાં સાવરકુ્ંડલાના ચિંતન રાવળ ઉર્ફે દેવાંગ ઉર્ફે દાદા મહાદેવ, મહુવાના આરીફ ઉર્ફે અબ્બા બાગોત સહિત 4 સામે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે આ શખ્સોએ તેને યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાની લાલચ આપી તેની પાસેથી મોટી રકમ પડાવી હતી. જુદા જુદા તબક્કે તેની પાસેથી મોટી મોટી રકમનું રોકાણ યુએસડીટીમાં કરાવ્યું હતું.
છેલ્લે તેની 2.40 લાખની રકમ બાકી નિકળતી હોય ચારેય શખ્સોએ રૂૂપિયા 20.50 લાખનું રોકાણ કરે તો બાકીની રકમ મળી જશે તેવી લાલચ આપી તેની પાસેથી આ રકમ પડાવી હતી. અને અંતે 22.90 લાખ રકમ પરત નહી આપી છેતરપીંડી આચરી હતી. જે અંગે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સાવરકુંડલાના ચિંતન રાવળની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દીધો હતો. તેના પિતા મહેશ ચંદુલાલ રાવળ નિવૃત તાલુકા વિકાસ અધિકારી છે. અને ચિંતન આ પ્રકારની છેતરપીંડીઓમાં સંડોવાયેલો હોય તેની સામે અગાઉ પણ ગુનાઓ દાખલ થયેલા હતા.