LED લગાવતા 216 વાહન ચાલકો આરટીઓની ઝપટે ચડ્યા
શહેરના એન્ટ્રી પોઇન્ટ પર સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ, રૂા.2.47 લાખના દંડની વસૂલાત
હાઇવે પરના અકસ્માતો અટકાવવા માટે વાહનોમાં એલઇડી પ્રકારની લાઇટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે છતા પણ કેટલાક વાહન ચાલકો તેનો ઉપયોગ કરતા હોય તેવા 216 જેટલા વાહન ચાલકો આરટીઓની ઝપટે ચડી ગયા હતા. જેની સામે અઢી લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.
આરટીઓના જણાવ્યા મુજબ રાજકોટની વિવિધ ચોકડીઓ અને એન્ટ્રી પોઇન્ટના હાઇવે પર આરટીઓની ચેકીંગ સ્કવોડ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં એલઇડી લાઇટ વાહનોમાં લગાવવાની મનાઇ હોવા છતા ઘણા વાહન ચાલકો આ પ્રકારની લાઇટો લગાવી વાહન ચલાવતા હોવાથી હાઇવે પર અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો હોય ત્યારે આવા વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી હતી અને 216 જેટલા વાહનો ઝડપાયા હતા. તેમાં હેવી પ્રકારના 82, માલવાહક 116 અને અન્ય પ્રકારના 17 જેટલા વાહન ચાલકો ઝપટે ચડી ગયા તેમની પાસેથી રૂા.2.47 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.