રાજકોટ જિલ્લાના 211 કરાર આધારિત આરોગ્ય કર્મચારી નોકરી પર હાજર થયા
નોટિસ ફટકારતા ફરજના સ્થળે પરત ફર્યા, અન્ય 58 કર્મીઓ પણ નોકરીમાં લાગ્યા
જુની માંગણીઓને લઇને રાજકોટ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગરમાં ચાલતા આંદોલનમાં જોડાયા છે. રાજકોટ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓને નોકરી પરથી છુટા કરવાની નોટીસ ફટકારતા કરાર આધારિત 211 જેટલા કર્મચારી નોકરીના સ્થળે ફરી હાજર થઇ ગયા છે અન્ય 58 જેટલા કર્મચારીઓ પણ નોકરી પર પરત ફર્યા છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર. ફુલમાલીએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લાનાં 580 આરોગ્ય કર્મચારી હડતાલ ઉપર ઉતરી જતા સરકારની સુચના પ્રમાણે તમામ કર્મચારીઓને સર્વિસ બ્રેક સાથે ખૂલાસો માંગતી નોટિસ ફટકારવામાં આવી છે.
જેને લઈ ફિક્સ પગારમાં ફરજ બજાવતા 211 કર્મચારી અને 58 અન્ય કર્મચારીઓ મળી 269 કર્મચારીઓ કામ પર પરત આવી ગયા છે. જ્યારે હજુ 331 આરોગ્ય કર્મચારીઓ પરત નહીં આવતા તમામ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ શરૂૂ કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગમાં ફિક્સ પગારથી કામ કરતા મોટાભાગનાં બધા કર્મચારીઓ હડતાલ પરથી પરત ફર્યા છે. હાલ રાજકોટ જિલ્લામાં એમ.પી. એચ.ડબલ્યું. એફ.એચ.ડબલ્યું. એમ.પી.એચ.એસ, એફ.એચ.એસ કેટેગરીનાં કેટલાક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા. જોકે આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવતા આ તમામ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ હડતાળનો ટૂંક સમયમાં અંત આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.