આલાબાઇના ભઠ્ઠા વાળી જમીન મુદ્દે માલિકે 21 વર્ષે કરેલો દાવો લિમિટેશન એક્ટની જોગવાઇ વિરુદ્ધનો: કોર્ટ
માલિકે 10 વર્ષ પછી દાવાની દાદમાં સુધારો કરી કબજો મેળવવા કરેલા દાવામાં નીચેની કોર્ટના હુકમ સામે અપીલ કરી’તી
રાજકોટના હાર્દ સમા મહિલા કોલેજ ચોક પાસેની આલાબાઈના ભઠ્ઠા તરીકે ઓળખાતી કરોડોની મિલ્કત સંબંધે માલિક હોવાનું જણાવી કરવામાં આવેલો દાવો મિલકતના વર્ષો જૂના કબજેદારની તરફેણમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં મહિલા કોલેજ ચોકની સામે આલાબાઈના ભઠ્ઠા તરીકે ઓળખાતી મિલ્કતના માલીક શરદકુમાર ગીરધરલાલ કોટકે મિલ્કતના જુના કબ્જેદાર હુરબાઈ બાઉદીન સુમરા વિગેરે વિરુધ્ધ વિજ્ઞાપન અને કાયમી મનાઈ હુકમ મેળવવાનો દાવો દાખલ કર્યો હતો. ત્યારબાદ મુળ વાદી શરદકુમાર ગીરધરલાલ કોટકે આશરે 10 વર્ષ પછી દાવાની દાદમાં સુધારો કરીને કબ્જો મેળવવા અંગેની દાદ માંગી હતી. જેમાં વાદીએ જણાવેલ કે, રાજકોટ શહેરના સીટી સર્વે નં.450ની ખેતીની જમીન તેમણે રજિ. વેચાણ દસ્તાવેજથી સને 1975માં ખરીદ કરેલ અને તેઓ મિલ્કતના માલીક અને કબ્જે ભોગવટેદાર છે, તેમાં પ્રતિવાદી હુરબાઈ બાઉદીન સુમરા વિગેરેએ તેઓની જમીનમાં ટ્રેસપાસ કરી કબ્જો જમાવેલ હોય જેથી કબ્જો પરત મેળવવાનો દાવો કર્યો હતો. જે દાવો પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ચાલી જતાં તેઓએ મુળ પ્રતિવાદી હુરબાઈ બાઉદીન સુમરા વિરુધ્ધ એકસપાર્ટી ચલાવેલ અને દાવો મંજુર કર્યો હતો.
આ દાવાના મુળ પ્રતિવાદી હુરબાઈ બાઉદીન સુમરા અવસાન પામતાં તેમની જગ્યાએ તેમના વારસદાર જેનુબેન બાઉદીન સુમરાએ ઉપરોક્ત હુકમ સામે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં લીગાલીટી ચેલેન્જ કરેલ, તેમાં એપેલન્ટ જેનુબેન બાઉદીન સુમરાનો મિલ્કતમાં વર્ષોથી કબ્જો, ભોગવટો આવેલ છે જે હકીકત તેઓ જાણતાં હોવા છતાં કહેવાતા 1975ના દસ્તાવેજના આધારે 1996માં આશરે 21 વર્ષ પછી કબ્જો મેળવવા માટેનો દાવો કરેલ છે. જે દાવાને ડીલે, લેચીઝ, એકવીયન્સ અને સમય મર્યાદાનો બાદ નડે છે. તેમજ અદાલત સમક્ષ 10 વર્ષ પછી કબ્જા સબંધેની જે દાદ માંગેલ છે તેવી દાદ માંગવા કે મેળવવા પણ તેઓ હકકદાર નથી. નીચેની કોર્ટમાં જે દાવો એકસપાર્ટી ચાલેલ છે, તેમાં હાલના એપેલન્ટને કોઈ બચાવની યોગ્ય અને વ્યાજબી તક આપવામાં આવેલ નથી.
કુદરતી ન્યાય સિધ્ધાંતનું પાલન થયેલ નથી તેમજ રેકર્ડ પર એપેલન્ટ/મુળ પ્રતિવાદીને બચાવની તક આપવામાં આવે તો એપેલન્ટના પિતાએ મુળ માલીક પાસેથી પોતાના કબ્જા/ભોગવટામાં રહેલ મિલ્કત સને 1948માં ખરીદ કરેલ તેવી તકરાર લીધેલ અને આ તકરારના સમર્થનમાં સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા. જે ધ્યાને લઈ રાજકોટના પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી.એસ.સિંગે મુળ વાદી શરદકુમાર ગીરધરલાલ કોટક વિગેરેનો હાલનો દાવો 21 વર્ષ પછી દાખલ કરેલ હોય લિમિટેશન એકટની જોગવાઈ વિરુધ્ધનો ગણાવી નીચેની કોર્ટનું જજમેન્ટ અને હુકમનામું રદ કરી એપેલન્ટ જેનુબેન બાઉદીન સુમરાની અપીલ મંજુર કરી છે. આ કામમાં એપેલન્ટ વતી એડવોકેટ પરેશ મારૂૂ, દિલીપ ચાવડા, હાર્દિક જાદવ રોકાયા હતા.