2023માં સિંહના અકુદરતી મૃત્યુમાં 200%નો વધારો
છેલ્લા બે વર્ષમાં 113 સિંહ, 126 સિંહબાળ, 294 દીપડા અને 110 દીપડાના બચ્ચાઓનાં મૃત્યુ
ગુજરાતમાં વિકાસની હરણફાળમાં જંગલો ઘટતાં જાય છે. જેના કારણે જંગલી જાનવરો શહેરો અને ગામડાઓ તરફ દોટ મુકી રહ્યાં છે. રાજ્યમાં હિંસક પ્રાણીઓના હૂમલાઓની ઘટનાઓ પણ મોટા પ્રમાણમાં વધી રહી છે. બીજી બાજુ રાજ્યમાં સિંહ અને દીપડાના મૃત્યુ અંગે સરકારે વિધાનસભા સત્રમાં આંકડાઓ રજૂ કર્યાં છે.વિધાનસભાના સત્રમાં સરકારે માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષમાં 113 સિંહ, 126 સિંહબાળ, 294 દિપડા અને 110 દિપડાના બચ્ચાંના મૃત્યુ થયાં છે.
અમદાવાદ દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને સવાલ કર્યો હતો કે, 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કેટલા સિંહ, સિંહબાળ, દિપડા અને દિપડાના બચ્ચાંના મૃત્યુ થયાં છે. સરકારે આ પ્રાણીઓના અકુદરતી મૃત્યુને રોકવા માટે કયા પગલાં લીધાં છે. રાજ્ય સરકારે આ સવાલનો લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 113 સિંહ, 126 સિંહબાળ,294 દિપડા અને 110 દિપડાના બચ્ચાંના મૃત્યુ થયાં છે. જેમાં સિંહોની વાત કરીએ તો 92 કુદરતી અને 21 અકુદરતી, 118 સિંહબાળના કુદરતી અને 08 સિંહબાળના અકુદરતી મૃત્યુ થયાં છે. બીજી તરફ દીપડાની વાત કરીએ તો 193 દીપડા કુદરતી રીતે તો 101 અકુદરતી રીતે મૃત્યુ પામ્યાં છે. દીપડાના 79 બચ્ચાં કુદરતી તો 31 બચ્ચાં અકુદરતી રીતે મૃત્યુ પામ્યાં છે. 2022માં 7 સિંહના અકુદરતી મોત સામે 2023માં 14 મોત થતા 200%નો વધારો નોંધાયો છે.
સરકારે અકુદરતી રીતે પ્રાણીઓના મૃત્યુ રોકવા માટે સિંહ તથા અન્ય વન્યપ્રાણીઓને બિમારી અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિમણૂંક, વન વિભાગ દ્વારા સિંહોના અવર-જવર વાળા વિસ્તારમાં તકેદારી રાખવા માટે વન્યપ્રાણી મિત્રોની નિમણુંક, વન્યપ્રાણીઓના રેસ્ક્યુ માટે રેપિડ એક્શન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના, જુદા જુદા સ્થળોએ વન્યપ્રાણી સારવાર કેન્દ્રની વ્યવસ્થા, અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકરો મુકવા સહિતની કામગીરી કરવામાં આવી છે.